Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પેપર લીક : ૧૦માં ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય

સીબીએસઈ દ્વારા વ્યાપક વિચારણા બાદ નિર્ણય : પેપર લીકના પ્રકરણની કોપી પર અસર થઇ નથી : બોર્ડ

નવી દિલ્હી,તા. ૩ : સીબીએસઈએ ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા ફરીવાર ન લેવાનો નિર્ણય કર્યો છે. પેપર લીકના મામલા બાદ હજુ સુધી અનેક પ્રકારના અહેવાલો સપાટી ઉપર આવી રહ્યા હતા. બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ વિષયની પરીક્ષા ફરી લેવા ઉપર વિચારણા ચાલી રહી છે. આ પહેલા બોર્ડે માત્ર દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રિટેસ્ટ લેવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં અહેવાલ અહીંના વિદ્યાર્થીઓ માટે રાહતજનક હતા. બોર્ડનું કહેવું હતું કે, લીક થયેલા પેપરો આ વિસ્તાર સુધી જ સરક્યુલેટ થયા હતા. આવી સ્થિતિમાં બીજી વખત પરીક્ષા થઇ શકે છે. સુત્રોના કહેવા મુજબ પરીક્ષાની કોપી નિહાળ્યા બાદ આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડનું કહેવું છે કે, પેપર લીકના પ્રકરણની કોપી ઉપર કોઇ અસર દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં બીજી વખત પરીક્ષા લેવાની બાબત યોગ્ય દેખાતી નથી. અત્રે નોંધનીય છે કે, ૨૪મી માર્ચના દિવસે ધોરણ ૧૦ના ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર મામલાની માહિતી રાખનાર સુત્રોએ કહ્યું છે કે, બોર્ડે આ માહિતી મેળવવા માટે કોપીમાં તપાસ કરાવી હતી. લીકના પરિણામ સ્વરુપે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા જવાબમાં કોઇ અંતર છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈનું માનવું છે કે, ધોરણ ૧૦ની પરીક્ષા વિદ્યાર્થીઓના સિનિયર સેકન્ડરીમાં જવા માટેની પરીક્ષા છે. જ્યારે ૧૨મી બાદ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ થાય છે. આવી સ્થિતિમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ને લઇને જુદા જુદા નિર્ણય લેવામાં આવી શકે છે. બોર્ડના સુત્રોનું કહેવું છે કે, જો કોઇ વિદ્યાર્થીના આંતરિક મુલ્યાંકનની પ્રવૃત્તિ નબળી છે અને મેઇન પેપરમાં અભૂતપૂર્વરીતે સારો દેખાવ કરે છે તો પરિણામની ચકાસણી સાવચેતીપૂર્વક થશે. ૧૨માં ઇકોનોમિક્સની પરીક્ષા ૨૫મી એપ્રિલના દિવસે ફરી લેવાશે.

(7:36 pm IST)