Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

RSSની તુલના પાક.માં આતંકી તૈયાર કરતા મદરેસાઓ સાથે કરી

રાહુલ ગાંધીએ આરએસએસ પર આકરા પ્રહાર કર્યા : પાક ત્રાસવાદીઓ માટે મદરેસાનો ઉપયોગ કરે છે, RSS સ્કૂલોમાં ખાસ પ્રકારની દુનિયા ભણનારા છાત્રો બનાવે છે

નવી દિલ્હી, તા. ૩ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસની તુલના પાકિસ્તાનમાં આતંકીઓને તૈયાર કરતા મદરેસાઓ સાથે કરી નાંખી છે.

પીએમ મોદી પર અવાર નવાર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ આજે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરએસએસ પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, આરએસએસ દ્વારા પોતાના સ્કૂલો થકી હુમલો કરાઈ રહ્યો છે. જે રીતે પાકિસ્તાન કટ્ટરપંથીઓ માટે મદરેસાઓનો ઉપયોગ કરે છે તે રીતે આરએસએસ પોતાની સ્કૂલોમાં એક વિશેષ પ્રકારની દુનિયા ભણનારા વિદ્યાર્થીઓને બનાવે છે.

કોઈ પૂછતુ નથી કે આરએસએસને આ પૈસા ક્યાંથી મળે છે. સેંકડો હજારો સ્કૂલો ચલાવવા માટે આ પૈસા ક્યાંથી આવે છે તે કોઈ પૂછતો નથી. આરએસએસ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો કરવામાં આવી રહ્યો છે. તેમના હાથમાંથી શિક્ષણ વ્યવસ્થા પાછી લેવી પડશે અને આ આસાન કામ નથી. આપણે એક લાંબી ચાલનારી સમસ્યા સાથે મુકાબલો કરી રહ્યા છે.

જોકે સોશિયલ મીડિયા પર ઘણાને આ નિવેદન ગમ્યુ નથી અને લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોને મારે વગર માંગે એક સલાહ આપવી છે કે પપ્પુજીને તમે પોલિટિકલ પ્લે સ્કૂલમાં મોકલી આપો. જ્યાં તેમને દેશની સાચી હકીકત ખબર પડે. જો પ્લે સ્કૂલમાં જગ્યા ના હોય તો સરસ્વતી શિશુ મંદિરમાં જતા રહે તો ત્યાં તેમને ખબર પડશે કે શું ભણાવવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સંઘ દ્વારા સીધી રીતે કોઈ સ્કૂલ નથી ચલાવાતી પણ તેમના સ્વયંસેવકો થકી ૨૦,૦૦૦ જેટલા સરસ્વતી શિશુ મંદિર નામની સ્કૂલો ચાલે છે.

જેનુ સંચાલન વિદ્યા ભારતી અને સમર્થ શિક્ષા સમિતિ દ્વારા થાય છે.  આ સ્કૂલોમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. આ સ્કૂલોના ટીકાકાર અધ્યાપક નંદિની સુંદરનુ કહેવુ છે કે, આ સ્કૂલોમાં મુસ્લિમો પ્રત્યે નફરતના પાઠ ભણાવાય છે.

બીજી તરફ પાકિસ્તાનના મદરેસામાં આતંકના પાઠ ભણાવાય છે. આ વાત ૨૦૦૧ બાદ દુનિયા સામે આવી હતી. પાકિસ્તાનમાં ચાલતા આતંકી સંગઠનોના તાર મદરેસાઓ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો પણ કેટલાક રિસર્ચ પેપરમાં થયો છે.

આ મદરેસાઓમાં આતંકવાદને પ્રોત્સાહન અપાયછે.બલૂચ વોઈસ એસોસિએશનના અધ્યક્ષ મુનિર મેંગલને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ હતુ કે, આ મદરેસાઓમાં હિન્દુ અને યહૂદીઓ ઈસ્લામના દુશ્મન છે તેવો સંદેશો અપાય છે. બંદુક અને બોમ્બનો ઉપયોગ તેમની સામે કરવો પડશે તેવુ ભણાવાય છે.

(7:59 pm IST)