Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગીફટ સીટી કંપનીમાં મૂડી રોકાણ માટે ૧૦૦ કરોડની જોગવાઇ

સોના - ચાંદીના સંગ્રહ માટે વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ

ગાંધીનગર તા. ૩ : વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્‍દ્ર ગિફટ સિટીમાં દેશનુ સૌ પ્રથમ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સ સેન્‍ટર કાર્યરત કરવામાં આવેલ છે, આ કેન્‍દ્રમાં રોજના રૂા. ૧ લાખ કરોડથી વધારે રકમના આંતરરાષ્ટ્રીય સોદાઓનું ટ્રેડીંગ થાય છે. ગિફટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બેન્‍કો, ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ, ફાયનાન્‍સ કંપનીઓ જેવી ૨૨૦ થી વધારે કંપનીઓ કાર્યરત થઇ છે. જેના માધ્‍યમથી અંદાજીત ૧૨૦૦૦ યુવાનોને પ્રત્‍યક્ષ રોજગારી મળેલ છે. ન્‍યુ ડેવલોપમેન્‍ટ બેન્‍ક (બ્રીક્‍સ)ના પ્રથમ ક્ષેત્રિય કાર્યાલયની સ્‍થાપના પણ ગિફટ સિટીમાં કરવામાં આવેલ છે. ભારતના પ્રથમ બુલિયન સ્‍પોટ એક્‍સચેન્‍જ ગિફટ સિટી ખાતે કાર્યરત કરી સોના અને ચાંદીના સંગ્રહ માટે બુલિયન સંગ્રહ સુવિધાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

ગિફટ સિટી આઇ.એફ.એસ.સી. માં કાર્યરત સંસ્‍થાઓને કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૩ વર્ષ માટે આવક વેરામાંથી મુક્‍તિ આપવામાં આવેલ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સંસ્‍થાઓ દ્વારા ગિફટ સિટીમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ કરાશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે. ગ્‍લોબલ ઓફશોર ફંડ્‍સને આકર્ષવા માટે નિયમોને હળવા કરવામાં આવ્‍યા છે જેનાથી ગિફટ આઇ.એફ.એસ.સી. ખાતે આંતરરાષ્ટ્રીય ફંડોની સ્‍થાપનાની શરૂઆત થયેલ છે.

ગુજરાત સરકાર દ્વારા શેર બ્રોકર્સને ગિફટ સિટીમાં થતાં નાણાકીય વ્‍યવહારો પર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટિમાંથી મુક્‍તિ આપવામાં આવેલ હોવાથી બ્રોકર્સના રજીસ્‍ટ્રેશનની સંખ્‍યામાં નવા રોજગાર સાથે અવિરત વધારો થઈ રહેલ છે. એરક્રાફટ લીઝીંગનો ખૂબ મોટો વ્‍યવસાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ વ્‍યવસાયને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા  ગિફટ સિટીમાંથી કાર્યરત થતાં એરક્રાફટ લીઝીંગ બિઝનેસને સ્‍ટેમ્‍પ ડયુટીમાંથી મુક્‍તિ આપવામાં આવેલ છે. જેના કારણે આ ક્ષેત્રમાં પણ મોટાપાયે વિદેશી મૂડી રોકાણ અને રોજગારીની તકો ઊભી થશે. ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીની ગિફટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ.

(3:42 pm IST)