Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બેટરીવાળી રીક્ષા- ટુ વ્‍હીલર્સ માટે સબસીડી

૩ લાખ પરિવારોને સોલાર સિસ્‍ટમ માટે ૮૦૦ કરોડની જોગવાઇ : ‘ઇ -રીક્ષા' દિઠ રૂા. ૪૮ હજાર અને સ્‍કુટર દિઠ રૂા. ૧૨ હજારની સહાય

ગાંધીનગર : ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં આગળ વધ્‍યો છે. લાખો વાહનો રાજ્‍યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્‍યારે પર્યાવરણને શુધ્‍ધ રાખવું તે પણ અગત્‍યનું અને જરૂરી છે. સ્‍વચ્‍છ ઉર્જાના ભાગરૂપે રાજ્‍યમાં સૌરાઉર્જા આધારિત ૪૦૪૨ મેગાવોટ અને પવન ઉર્જા આધારિત ૮૧૮૦ મેગાવોટ ઉર્જા ક્ષમતા કાર્યરત કરવામાં આવેલ છે. આ પ્રવૃતિને વેગ આપવા રાજ્‍ય સરકાર દ્વારા નવી સૌરાઉર્જા નીતિ તાજેતરમાં જાહેર કરેલ છે. પર્યાવરણલક્ષી અભિગમ રાખી જુદા જુદા વિભાગ હેઠળ વિવિધ કામો માટે રૂા. ૫૦૦૦ કરોડની જોગવાઇ આ અંદાજત્રમાં કરવામાં આવી છે. આ જોગવાઇ હેઠળમાં કામોથી રાજ્‍યના પર્યાવરણને ઘણો ફાયદો થશે. તેમ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલ જણાવ્‍યું હતું.

સોલર રૂફટોપ સ્‍થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. લોકપ્રિય સુર્ય ગુજરાત યોજના અંતર્ગત એક લાખ સત્‍યોતેર હજાર બસ્‍સો છાસઠ ઘરોમાં ૬૬૨ મેગોવોટની સોલાર ઉર્જા ઉત્‍પાદન ક્ષમતા ઉભી કરવામાં આવેલ છે. વધુ ૯૦૦ મેગાવોટ સોલર ઉર્જા ઉત્‍પાદનના લક્ષ્યાંક સાથે ૩ લાખ ઘરોને સહાય આપવા માટે રૂા. ૮૦૦ કરોડની જોગવાઇ.

સરકારી કચેરીઓની છત પર અંદાજે ૭ મેગાવોટ ક્ષમતાના સોલર રૂફટોપ સિસ્‍ટમ માટે રૂા. ૫૨૫ કરોડની જોગવાઇ.

પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જીથી ચાલતી રીક્ષાઓના બદલે ઇલેકિટ્રક બેટરીથી ચાલતી ઇ-રિક્ષાનો વપરાશ વધે તે પર્યાવરણ સુધારામાં ફાયદો થશે. તેથી ઇ-રીક્ષાનો વપરાશ વધારાવાના ઉદેશથી એક ઇ-રિક્ષા દીઠ રૂા. ૪૮,૦૦૦ ની સબસીડી માટે રૂા. ૨૬ કરોડની જોગવાઇ તેમજ ઇલેકિટ્રક બેટરીથી ચાલતા ટુ-વ્‍હિલર માટે વાહન દીઠ રૂા. ૧૨,૦૦૦ની સબસીડી આપવા માટે રૂા. ૧૩ કરોડની જોગવાઇ.

રાજ્‍યમાં આવેલ ગૌ-શાળા, પાંજરાપોળ ખાતે બાયોગેસ પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે ૭૫ ટકા લેખે સહાય આપવા માટે રૂા. ૬ કરોડની જોગવાઇ.

લાકડાની બચત અને કાર્બન ઉત્‍સર્જન ઘટાડવાના હેતુથી ગ્રામ પંચાયત દીઠ માત્ર ૧૦૦૦ રૂપિયાના લાભાર્થી ફાળે રાજ્‍યની ૧૨૦૦ ગ્રામ પંચાયતોને સુધારેલી સ્‍મશાન ભઠ્ઠી સ્‍થાપવા માટે રૂા. ૬ કરોડની જોગવાઇ.

રાજ્‍યની સરકારી શાળાઓમાં ૧૭,૫૦૦ એલ.ઇ.ડી. ટયુબલાઇટ અન. ૧૮,૫૦૦ સ્‍ટાર રેટેડ પંખાઓ નાખવામાં આવશે. જે માટે રૂા. ૪ કરોડની જોગવાઇ.

રાજ્‍યની સરકારી યુનિવર્સિટીમાં કલાઇમેટ ચેન્‍જ વિષયનું સેન્‍ટર ઓફ એકસલન્‍સ સ્‍થાપવામાં આવશે.

(3:38 pm IST)