Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

શ્રમિકો માટે સસ્‍તા આવાસો બનાવાશેઃ ગુજરાતમાં સર્વીસ સેકટર યુનિવર્સિટીની સ્‍થાપના થશે

એક લાખ એપ્રેન્‍ટીસોને સહાયઃ ગાંધીનગરમાં આંતરરાષ્‍ટ્રીય એકસેલન્‍સ કેન્‍દ્ર સ્‍થપાશે

ગાંધીનગર, તા. ૩ :. હવે શ્રમિકોને તેમના કામકાજના સ્‍થળની નજીકમાં જ રહેઠાણ પ્રાપ્‍ત થાય તે માટે કારખાનાની નજીક આવાસ ઉપલબ્‍ધ કરાવવા અમે મુખ્‍યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઈન્‍ડસ્‍ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અમલમાં મુકી રહ્યા છીએ. આ યોજના હેઠળ પીપીપી ધોરણે રાહત દરના શ્રમિક આવાસોનું નિર્માણ કરવામાં આવશે તેમ શ્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતું.

રાજ્‍યની આઈ.ટી.આઈ.ઓનું તબક્કાવાર અપગ્રેડેશન કરી તાલીમાર્થીઓને રોજગાર ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે. જેથી ૨૨૫ આઈ.ટી.આઈ.માં દોઢ લાખ તાલીમાર્થીઓ માટે ઉદ્યોગ ગૃહોની મદદથી હાઈ-એન્‍ડ તાલીમ સુવિધા અને નવા ઉભરતા વ્‍યવસાયો માટે વિશ્વકક્ષાની સંલગ્ન તાલીમ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના હેઠળ એક લાખ એપ્રેન્‍ટિસોને સહાય આપવા માટે રૂા. ૫૩ કરોડની જોગવાઈ.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાઓ ખાતે તાલીમાર્થીઓને વ્‍યવસાયલક્ષી અને ગુણવત્તાયુકત પ્રાયોગિક તાલીમ આપવા માટે જરૂરી ટૂલ્‍સ અને ઈકવીપમેન્‍ટ, ફર્નિચર પુરા પાડવાની યોજના હેઠળ રૂા. ૪૦ કરોડની જોગવાઈ.

રાજ્‍યની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાઓ ખાતે ઉપલબ્‍ધ માળખાકીય સુવિધાઓનું સ્‍ટ્રેન્‍ધનીંગ જેમ કે ખૂટતા વર્કશોપ અને થીયરી રૂમનું બાંધકામ, સ્‍ટાફ કવાર્ટસ, હોસ્‍ટેલ તથા ૪ નવી આઈ.ટી.આઈ.ના બાંધકામ માટે રૂા. ૩૫ કરોડની જોગવાઈ.

રાજ્‍યમાં લાંબા સમયથી કાર્યરત કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રોના રીફોર્મીંગ કરવા માટે રૂા. ૧૦ કરોડની જોગવાઈ.

ઔદ્યોગિક શ્રમયોગીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનની ખરીદી કરવા નાણાકીય સહાય આપવા સારૂ ગો-ગ્રીન શ્રમિક યોજના માટે રૂા.૧૦ કરોડની જોગવાઈ.

ગીફટ સિટી ગાંધીનગર ખાતે સર્વિસ સેકટર માટે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું એકસલન્‍સ સેન્‍ટર શરૂ કરવા માટે રૂા. ૧ કરોડની જોગવાઈ.

રાજ્‍યના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે સર્વિસ સેકટરનો પણ વિકાસ જરૂરી છે. જેના દ્વારા પણ લાખોની સંખ્‍યામાં રોજગારીની તકો ઉપલબ્‍ધ થાય છે. સર્વિસ સેકટરમાં વધુ રોજગારી ઉપલબ્‍ધ થાય તે માટે યુવાનોને ઉચ્‍ચ કક્ષાની તાલીમ અને શિક્ષણ આપવા દેશની સર્વપ્રથમ સર્વિસ સેકટર યુનિવર્સિટીનું નિર્માણ કરવાનો રાજ્‍ય સરકારે નિર્ણય કર્યો છે.

(3:33 pm IST)