Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

નોટબંધી બાદ સહકારી બેંકોની નવી શાખા ખોલવાની મંજુરી ઉપર બ્રેક : સુરતની બેંકોની ૧૦૦ બ્રાંચ ખોલવાની અરજી પેન્‍ડીંગ

RBIમાં કોરોનાથી સ્‍ટાફની અછત સર્જાતા બેંકોની અરજી પર કાર્યવાહી અટકી

મુંબઇ,તા. ૩: નોટબંધી પછીથી આરબીઆઇએ એક પણ સહકારી બેંકોને નવી શાખાઓ શરૂ કરવા માટેની પરવાનગી આપી નથી. જેના કારણે શહેરની ૩૧ જેટલી કો.ઓપરેટિવ બેંકો નવી શાખાઓ કાર્યરત કરવા માટેની અરજી આરબીઆઇમાં પેન્‍ડિગ છે. જૂન-૨૦૨૦માં નવી શાખા કાર્યરત કરવાની ગાઇડલાઇન સાથેનો બેકિંગ એકટમાં સુધારો તો આવ્‍યો પરંતુ કોરોના કારણે આરબીઆઇ પાસે સ્‍ટાફની અછત સર્જાતા બેંકોની પેન્‍ડિંગ અરજીઓ પર કાર્યવાહી થઇ રહી નથી.

 

નોટબંધી પછીથી આરબીઆઇ દ્વારા કો.ઓપરેટીવ બેંકોને વિસ્‍તરણ કે મર્જરની પરવાનગી આપી રહ્યુ નથી. જેની પાછળનું જે -તે વખતે આરબીઆઇ તરફથી કાયદામાં સુધારો આવ્‍યા બાદ પડતર અરજીઓ પર કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું. આજે નોટબંધીને ૪ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્‍યો છે. સરકારી બેંકોને નવી બ્રાંચ ખોલવા સાથે સ્‍મોલ ફાઇનાન્‍સ બેંકોને પણ કાર્યરત કરવા માટેની પરવાનગી મળી રહી છે. ત્‍યારે સુરતની જ અંદાજે સહકારી બેંકોની શાખા વિસ્‍તરણ કે મર્જર સહિતની ૧૦૦ જેટલી અરજીઓ પેન્‍ડિંગ પડી રહી છે. આ અંગે સ્‍થાનિક બેકિંગ તજજ્ઞો જણાવે છે કે, નાના ખાતેદારો અને ખાસ કરીને સુરતના વેપાર -ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કો.ઓપરેટિવ બેંકો પર વધુ નિર્ભર રહે છે. ડિસ્‍ટ્રિકટ બેંકોને નાબાર્ડ દ્વારા પરવાનગી મળતી હોય છે. જ્‍યારે સ્‍મોલ ફાઇનાન્‍સ બેંકો પણ ઘણી કાર્યરત થઇ છે. આ વચ્‍ચે કો.ઓપરેટિવ બેંકોના વિકાસ રૂંધાય રહ્યો છે. જેના કારણે નાના ખાતેદારોને સહકારી સેકટરની સેવાઓનો લાભ મળતાં અટકી રહ્યો છે.

નિયમો પાળતી બેંકોને જ મંજૂરીનો એકટમાં સુધારો કર્યો છતાં..

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં બેકિંગ રેગ્‍યુલેશન એકટમાં સુધારો જાહેર થયો છે. નવા જાહેર થયેલા એમેડમેન્‍ડ પ્રમાણે જે બેંકો નિયમોનું પાલન કરતી હશે તેને વિસ્‍તારણ માટેની પરવાનગી મળશે. જો કે કોરોનાના કારણે આરબીઆઇમાં પણ ઘણાં કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરતાં હોય જેના કારણે બેંક શાખાઓ વધારવા  કો. ઓપરેટિવ બેંકોની અરજીઓ પણ અટવાઇ રહી છે.

શિડયુલ બેંકોમાં જવાનું અને કોઇ બે બેંકોનું મર્જર પણ અટક્‍યું

વરાછા કો. ઓપરેટિવ બેંકના ચેરમેન અને ગુજરાત અર્બન કો. ઓપરેટિવ બેંકસ ફેડકરેશન કો. ઓપ્‍ટ ડિરેક્‍ટર કાનજી ભાલાળા જણાવે છે કે, નોટબંધી પછી કો. ઓપરેટિવ બેંકને નવી બ્રાંચ સ્‍થાપવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે બેંકોનો વિકાસ અટકી રહ્યો છે. સહકારી બેંકો શિડયુલ બેંકોમાં જવાનું અને કોઇ બે બેંકોનું મર્જર પણ અટકી રહ્યું છે. એક જિલ્લામાંથી અન્‍ય જિલ્લામાં બેંકોએ સેવા પુરી પાડવું પણ અટકી રહ્યું છે. દર વર્ષે ડિસેમ્‍બરમાં અર્બન કો. ઓપરેટિવ બેંકો નવી બ્રાંચ ખોલવા માટે આરબીઆઇ પાસે પરવાનગી માંગે છે. અત્‍યાર સુધીમાં અંદાજે ૧૦૦ જેટલી બ્રાંચની અરજીઓ થઇ ચૂકી છે.

(2:47 pm IST)