Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૬ કરોડ પગારદારને લાગશે ઝટકો! પીએફના વ્‍યાજદરમાં થશે ઘટાડો

આવતીકાલે થશે જાહેરાતઃ શ્રીનગરમાં બેઠક યોજાશે

નવી દિલ્‍હી, તા.૩: મોંઘા પેટ્રોલ-ડીઝલ, એલપીજીની વધતી કિંમતો અને સીએનજી, પીએનજીની મોંઘવારી બાદ વધુ એક ઝટકો લાગશે. નાણાંકીય વર્ષ ૨૦-૨૧માં ઇપીએફના વ્‍યાજમાં એક વાર ફરી ઘટાડો થવાનો છે. જો એવું બન્‍યુ તો ૬ કરોડથી વધુ પગારદારને મોટો ઝટકો લાગશે. અત્‍યાર સુધીમાં ઇપીએફ સબ્‍સક્રાઇબર્સ જે ગયા વર્ષ સુધી વ્‍યાજ નહીં મળવા અંગે પરેશાન હતા. હવે તેના પર ડબલ માર પડશે.

સુત્રોના જણાવ્‍યા મુજબ કોરોના સંકટકાળમાં લોકોએ મોટી સંખ્‍યામાં ઇપીએફમાંથી ઉપાડ કર્યો છે આ દરમ્‍યાન પીએફમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેના લીધે ઇપીએફ દરોમાં ઘટાડો આવશે. નવા દરો પર નિર્ણય કરવા માટે આવતીકાલે ૪ માર્ચે ઇપીએફઓની બેઠક યોજાશે. આવા માહોલમાં દરોમાં ઘટાડો નક્કી કરવામાં આવશે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ઇપીએફઓની કમાણી પર ખરાબ અસર પડી છે. સુત્રોના જણાવ્‍યા મુજબ ઇપીએફઓના ટ્રસ્‍ટી ઇ રઘુનાથને જણાવ્‍યું કે તેમને જણાવામાં આવ્‍યું છે કે ૪ માર્ચે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીની બેઠક શ્રીનગરમાં યોજાશે. તેમને મળેલા ઇમેઇલમાં વ્‍યાજદરો અંગે કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૮.૫ ટકા વ્‍યાજનું એલાન કર્યુ હતું. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીએ અગાઉ કહ્યું હતું કે ૩૧ માર્ચે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં બે ભાગમાં ૮.૫ ટકા વ્‍યાજની ચુકવણી કરવામાં આવશે એટલે કે ૮.૧૫ ટકા રોકાણથી અને ૦.૩૫ ટકા વ્‍યાજની ચુકવણી ઇકિવટથી કરવામાં આવશે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ઇપીએફ પર ૮.૫ ટકાનું વ્‍યાજ મળ્‍યુ કે જ ૭ વર્ષમાં સૌથી ઓછું છે. અગાઉ નાણાંકીય વર્ષ ૨૦૧૩મા ઇપીએફ વ્‍યાજ દરો ૮.૫ ટકા હતા. ગયા વર્ષે માર્ચમાં ઇપીએફઓના વ્‍યાજને રિવાઇઝ કરવામાં આવ્‍યું હતું. એ પહેલા નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ઇપીએફ પર ૮.૬૫ ટકા વ્‍યાજ મળતું હતું. ઇપીઓફઓના નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ૮.૫૫ ટકા વ્‍યાજ આપ્‍યુ હતું કે જે તેની પહેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬માં તે ૮.૮ ટકા હતું. એ પહેલા નાણાંકીય વર્ષ ૨૦૧૪માં ૮.૭૫ ટકા હતું.

(10:52 am IST)