Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ

શું ખુદ લખે છે કે પછી બીજા તૈયાર કરે છે? મળી ગયો જવાબ

નવી દિલ્‍હી, તા.૩: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી લગભગ દરરોજ કોઈના કોઈ મુદ્દે ભાષણ આપે છે. ક્‍યારેક રાજકીય રેલીઓ હોય છે તો ક્‍યારેક કોઈ લોકાર્પણ સમારંભ, તો ક્‍યારેક વિદ્યાર્થીઓને સંબોધન તો ક્‍યારેક આંતરરાષ્ટ્રીય કોન્‍ફરન્‍સમાં ભાષણ. આ તમામ કાર્યક્રમોમાં પીએમ મોદીનું ભાષણ સૌથી અલગ અને પ્રસંગોપાત હોય છે. જેથી સૌકોઈને જાણવાની મહેચ્‍છા થાય છે કે, આખરે પીએમ મોદીનું આ ભાષણ લખે છે કોણ?

આ સવાલનો જવાબ જાણવા એક વડાપ્રધાન કાર્યાલયમાં એક આરટીઆઈ  કરવામાં આવી હતી. આ આરટીઆઈ અંતર્ગત એ લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો જે જુદા જુદા પ્રસંગે પીએમ મોદીનું ભાષણ તૈયાર કરે છે.

પ્રધાનમંત્રી મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્‍વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે. આ આરટીઆઈનો જવાબ પણ મળી ગયો છે.

PMOમાંથી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્‍યું છે કે, જુદા જુદા માધ્‍યમોમાંથી ઈનપુટ એકત્ર કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી પોતે જ ભાષણોની રૂપરેખા તૈયાર કરે છે. PMOએ જણાવ્‍યું હતું કે, જુદા જુદા કાર્યક્રમો અનુસાર પ્રધાનમંત્રીને તેના ઈનપુટ પુરા પાડવામાં આવે છે. ત્‍યાર બાદ પીએમ પોતે જ પોતાના ભાષણને આખરી ઓપ આપે છે. જોકે પીએમનું ભાષણ તૈયાર કરવાના વળતર રૂપે કેટલા પૈસા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ RTIના જવાબમાં કરવામાં આવ્‍યો નથી.

(11:48 am IST)