Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કરનાલની સૈનિક સ્કૂલના ૫૪ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

કોરોનાના વધતા કેસમાં વધુ એક ચિંતાના સમાચાર : હરિયાણામાં શાળા-કોલેજો શરૂ થઇ હતી, જે પછી કોરોના સંક્રમણનો વધુ ફેલાવો થવાની આશંકાઓ પણ વધી પડી

નવી દિલ્હી, તા. ૨ : દેશભરમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે હરિયાણાથી ચિંતામાં વધારો કરતા સમાચાર આવ્યા હતા. અહીંના કરનાલ જીલ્લામાં એક સૈનિક સ્કુલના ૫૪ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. હરિયાણામાં શાળા અને કોલેજો શરૂ થઇ ચૂકી હતી, જે પછી કોરોના સંક્રમણનો વધુ ફેલાવો થવાની આશંકાઓ પણ વધી પડી હતી.

કરનાલમાં મંગળવારે સાંજ સુધી કુલ ૭૮ કેસ સામે આવી ચૂક્યા હતા. હવે આ સ્થિતિ પરથી દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. કારણ કે મોટા ભાગના રાજ્યો સંપૂર્ણ રીચે ખુલી ગયા હતા, જ્યાં શિક્ષણ પ્રવૃત્તિઓથી માંડીને વ્યાપાર-ધંધા પણ ખુલી ચૂક્યા હતા. એટલે હવે સ્થિતિ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કડક પગલા ઉઠાવવા માટે તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે.

કરનાલના મુખ્ય ચિકિત્સક અધિકારી ડો પીયુષ શર્માએ જણાવ્યું હતું કે સૈનિક સ્કુલ કુંજપુરામાં સોમવારે ત્રણ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમના સંપર્ક અને હોસ્ટેલમાં રહેતા તમામ ૩૯૦ બાળકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પછી મંગળવારે ૫૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સૈનિક સ્કુલમાં હરિયાણા સિવાય અન્ય રાજ્યોના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે, એવામાં પંજાબના પડોસી રાજ્ય હરિયાણામં એક જ સ્થળે કોરોના સંક્રમણના આટલા બધા પોઝિટિવ કેસનો આંકડો એક ચિંતાજનક સંકેત આપી રહ્યો છે. આ સ્થિતિને લઇને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ ગાઇડલાઇનનું સખત અમલીકરણ પર ફરજીયાત પગલા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે.

(12:00 am IST)