Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ભય, ભૂખ, કુશાસનથી ત્રિપુરા રાજ્યને હવે આઝાદી મળી છે

ત્રિપુરામાં જીત બાદ ભાજપની સ્પષ્ટ પ્રતિક્રિયાઃ કોંગ્રેસ મુક્ત ભારત અભિયાનમાં ત્રિપુરામાં વિકાસનું કમળ ખિલ્યું છે : દેશના માત્ર ૪ રાજ્યોમાં કોંગ્રેસનું શાસન

અમદાવાદ,તા.૩, આજ રોજ કર્ણાવતી મહાનગર શહેર સંગઠન દ્વારા ભાજપા ખાનપુર કાર્યાલય ખાતે પૂર્વોત્તર રાજ્યોમાં આવેલા ચૂંટણીના પરિણામોમાં પ્રજાના આશીર્વાદ ભાજપની વિકાસની રાજનીતિને પુનઃ પ્રાપ્ત થયા છે અને પ્રજાએ ફરી એકવાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સૌનો સાથ સૌનો વિકાસની રાજનીતિને આવકારી છે અને કર્ણાવતી મહાનગર શહેર સંગઠને ભાજપની ભવ્ય ઐતિહાસિક જીત બદલ વિજયોત્સવ મનાવીને પૂર્વોત્તર રાજ્યની પ્રજાનો આભાર પ્રગટ કર્યો હતો. પ્રદેશ મંત્રી અમિત ઠાકરે જણાવ્યું હતું કે, દેશના ૬૭.૫૫ ટકા ભાગમાં સમર્થિત સરકાર છે. સામ્યવાદીના કુશાસનથી કરેલ અને ત્રિપુરાની પ્રજા ત્રસ્ત છે પ્રજાને શાંતિ સલામતી, સ્થિરતા અને વિકાસનું શાસન જોઈએ છે જે ભાજપા જ આપી શકે તેવું દેશની પ્રજાએ સ્વીકાર્યું છે પરિણામે સામ્યવાદીના ગઢમાં પણ ભાજપના વિકાસનું કમળ ખીલ્યું છે. ઠાકરે વધુમાં જણાવ્યું છે કે, સામ્યવાદીઓની હિંસક રાજનીતિની સામે ભાજપાના હજારો કાર્યકરોના બલિદાનના ફળ સ્વરૃપ અને વર્ષોના સંઘર્ષ અને કાર્યકરોના  તપને કારણે ત્રિપુરામાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે. દેશમાં ડાબેરીઓની સરકાર હવે માત્ર કરેલ પુરતી સીમિત રહી ગઈ છે. આ વિજયોત્સવમાં શહેર પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ત્રિપુરામાં ૨/૩ બહુમતીથી વિકાસનું કમળ ખીલ્યું ૨૫ વર્ષ બાદ ત્રિપુરાની પ્રજાને સામ્યવાદીઓનાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના કુશાસનથી આઝાદી મેળવી છે. આ આઝાદી ભાજપના કર્મઠ કાર્યકરોનો અથાગ પરિશ્રમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્રીય સરકારના પ્રજાલક્ષી કાર્યો તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠન ક્ષમતાને કારણે ત્રિપુરામાં વિકાસનું કમળ ખીલ્યું છે, નાગાલેન્ડ અને ત્રિપુરામાં કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલાવી શકી નથી અને નાગાલેંડ અને મેઘાલયમાં પણ ભાજપની વિકાસની રાજનીતિનો પ્રજાએ સ્વીકાર કર્યો છે. વધુમાં પંચાલે જણાવ્યું હતું કે,  દેશમાં માત્ર ચાર રાજ્યોમાં જ કોંગ્રેસનું શાસન રહ્યું છે જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કોંગ્રેસ મુક્ત ભારતનાં અભિયાનમાં ત્રિપુરા પણ જોડાયું છે તે જ રીતે દેશના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વિકાસનું કમળ ખીલશે તેવો વિશ્વાસ પંચાલે વ્યક્ત કર્યો હતો. વિજય ઉત્સવમાં ભવ્ય આતશબાજી અને મિઠાઇઓ વહેંચી કાર્યકરોએ મોઢું મીઠું કરી આ વિજયને આવકર્યો હતો. પ્રદેશમંત્રી અમિત ઠાકોર, પ્રદેશ કારોબારી સભ્ય કાનાજી ઠાકોર અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ જુદા જુદા રાજ્યમાં ભાજપ એકમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોદીનીી લોકપ્રિયતા અને ભાજપના વિકાસ કાર્યોની સ્વિકૃતિ મળી હોવાનો દાવો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો.

(10:45 pm IST)