Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ત્રિપુરા ચૂંટણી : ભાજપની મત હિસ્સેદારી વધી ૪૨ ટકા થઇ

૨૦૧૩ ચૂંટણીમાં ૧.૫ ટકા મત હિસ્સેદારી હતી : ભાજપ હવે શૂન્યથી છેક શિખર ઉપર ત્રિપુરામાં પહોંચ્યું છે : કોંગ્રેસની મત હિસ્સેદારી ૩૬ ટકાથી ઘટીને બે ટકા

નવીદિલ્હી, તા.૩ : ત્રિપુરાના લાલકિલ્લામાં પ્રથમ વખત ડાબેરીઓનો સફાયો કર્યા બાદ ભાજપે ઇતિહાસ રચી દીધો છે. ભાજપે ૬૦માંથી ૫૯ સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં બહુમતિ મેળવીને મોટી સફળતા હાંસલ કરી છે. માણિક સરકારના નેતૃત્વમાં સીપીએમને માત્ર ૧૬ સીટો મળી છે. રાજકીય નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, આ પરિણામ તમામ માટે ખુબ જ પ્રોત્સાહનજનક છે. રાજકીય નિષ્ણાતો પણ આટલી મોટી સફળતા માટે આશા રાખી રહ્યા ન હતા. વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપને ડાબેરીઓના ગઢ ગણાતા ત્રિપુરામાં માત્ર ૧.૫ ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે ભાજપ ગઠબંધનની મતહિસ્સેદારીમાં ઉલ્લેખનીય વધારો થયો છે અને મતહિસ્સેદારી વધીને ૪૯.૬ ટકા સુધી પહોંચી છે. ભાજપને પોતે ૪૨ ટકા મત મળ્યા છે જ્યારે તેમની સાથી પાર્ટી પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાને ૮.૫ ટકા મત મળ્યા છે. આ રીતે બંને પક્ષોના ગઠબંધનને ત્રિપુરાના આશરે અડધા વોટ મળી ગયા છે. વર્ષ ૧૯૯૩માં ત્રિપુરામાં ડાબેરીઓનું શાસન શરૂ થયું હતું. લેફ્ટ માટે ત્રિપુરા પણ હવે હાથમાંથી નિકળી ગયું છે. ત્રિપુરા કેરળ અને પશ્ચિમ બંગાળની જેમ ડાબેરીઓ માટે મોટા ગઢ સમાન હતું પરંતુ હવે ત્રિપુરામાંથી ડાબેરીઓનો સફાયો થયો છે. પશ્ચિમ બંગાળ બાદ ત્રિપુરામાંથી પણ ડાબેરીઓ ફેંકાઈ ગયા છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી હવે માત્ર કેરળમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે. ભાજપની મત હિસ્સેદારીમાં જંગી વધારા માટે એક કારણ એ છે કે, કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી ગયા છે. કોંગ્રેસને ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ૩૬ ટકા મત મળ્યા હતા જે આ વખતે ઘટીને માત્ર બે ટકા રહી ગયા છે. કોંગ્રેસના ફેંકાઈ ગયેલા વોટ ભાજપે પોતાની તરફેણમાં કરવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ચુક્યા છે જેથી કોંગ્રેસનો આત્મવિશ્વાસ તુટી ગયો હતો.

(7:37 pm IST)