Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સાઉદીની યોગને ખેલકૂદનો દરજ્જો આપતા હવે પ્રશંસા

ઇસ્લામમાં યોગ પર ઉઠતા સવાલો સામે જવાબ : તમામ ઇસ્લામિક દેશોમાં યોગને અપનાવાયો છે, ત્યારે ભારતની યોગ શીખવતી યુવતી સામે કટ્ટરપંથીનો વિરોધ

નવી દિલ્હી,તા.૩ : એકબાજુ જયાં ભારતમાં યોગ શીખવતી યુવતી વિરૂધ્ધમાં કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે પડયા હતા ત્યારે બીજીબાજુ, સાઉદી અરબ જેવા દેશએ યોગને ખેલકૂદનો દરજ્જો આપી મુંહતોડ જવાબ આપ્યો છે. વર્ષ ૨૦૧૪માં જયારે ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે સંયુકત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી(યુએનજીએ)માં રેઝોલ્યુશન ડ્રાફ્ટ રજૂ કર્યું હતુ ત્યારે સંયુકત રાષ્ટ્રના ૧૭૭ દેશો આ પ્રસ્તાવના સમર્થનમાં આવ્યા હતા, જેમાં ઇસ્લામિક દેશો પણ હતા. દુનિયાભરના અનેક નેતાઓએ ભારતની આ પહેલનું સ્વાગત કર્યું હતું. ખુદ પાડોશી દેશ પાકિસ્તાન સહિત તમામ ઇસ્લામિક દેશોમાં પણ યોગને અપનાવાયો છે તેમછતાં ભારતમાં યોગ શીખવતી એક યુવતી રાફિયા નાઝ પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ તાજેતરમાં જ નિશાન સાધ્યુ છે. કટ્ટરપંથીઓના મતે, રાફિયા જે કાર્ય કરી રહી છે તે ઇસ્લામની વિરૂધ્ધનું છે.

   આ પૂરી ભૂમિકા એટલા માટે બાંધવામાં આવી છે કેમ કે, ઇસ્લામના સિધ્ધાંતોની વિરૂધ્ધ બતાવવાવાળા તથાકથિત જાણકારોની આંખો ખોલી શકાય. ઇસ્લામના આ તથાકથિત જાણકારોની સમજ પર કરારો પ્રહાર ઇસ્લામની જન્મસ્થળી પરથી જ થયો છે. ઇસ્લામની જન્મસ્થળી એટલે કે, સાઉદી અરબે યોગને ખેલકૂદનો દરજ્જો આપી કટ્ટરવાદી સોચને બદલવા એક પ્રશંસનીય કદમ ઉઠાવ્યું છે. સાઉદી અરબનું આ પગલું દુનિયાના તમામ ઇસ્લામિક દેશોની સાથે સાથે ભારતમાં કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો માટે એક શીખ સમાન છે. ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના ચીફ ઇમામ ડો.ઉમેર એહમદ ઇલિયાસીએ આ નિર્ણય માટે સાઉદી અરબને ધન્યવાદ આપ્યા છે. ડો.ઇલિયાસીનું કહેવું છે કે, આજે ગ્લોબલાઇઝેશનના દોરમાં આ પ્રકારે બદલાવ લાવવા સાઉદી અરબ માટે ઘણું જરૂરી છે. એ અમારા માટે ગર્વની વાત છે કે, જે યોગને ભારતે શરૂ કર્યા તે આજે પૂરી દુનિયા સુધી પહોંચી રહ્યા છે. પૂરી દુનિયાના લોકો આજે યોગ કરી તેમનું સ્વાસ્થ્ય સારૂ રાખી રહ્યા છે. ભારતમાં જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેઓએ જરા યોગ કરીને જોઇ લેવું જોઇએ. સાઉદી અરબના કટ્ટર સમાજમાં યોગને રમતનો દરજ્જો અપાવવાનો શ્રેય ૩૭ વર્ષીય મહિલા યોગગુરૂ નાઉફ મારાવીને જાય છે. તેણી ૨૦૦૫થી જ સરકારને વિભિન્ન એજન્સીઓના સહયોગથી યોગને માન્યતા અપાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. મારાવી સાઉદી અરબમાં યોગ અને આયુર્વેદની અધિકૃત પ્રમોટર છે. તેણી પોતે ૧૯૯૮થી યોગ કરી રહી છે. મારાવીને ૨૦૦૯માં યોગ્ય પધ્ધતિ અને ચીની ઇલાજ પધ્ધતિ આધારિત ચિકિત્સા કેન્દ્રની સ્થાપના કરી છે. આ પહેલાં ૨૦૦૮માં તેમણે સાઉદી અરબમાં યોગ સ્કૂલ પણ ખોલી અને ૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય યોગ ખાડી ક્ષેત્રની નિર્દેશક બની. ૨૦૧૨માં તેણી ભારતમાં યોગલિમ્પિક સમિતિની ઉપાધ્યક્ષ તરીકે નીમાઇ હતી. મારાવી ૨૦૦૫થી અત્યારસુધીમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને યોગનું શિક્ષણ આપી ચૂકી છે. જયારે ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન ૭૦થી વધુ શિક્ષકોને યોગ શીખવાડવા માટેનું પ્રમાણપત્ર આપ્યું. આ માટે કેરળ સરકારે તેણીને યોગચારિણીની ઉપાધિ આપવામાં આવી છે. સાઉદી સરકારની પહેલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આના કારણે અન્યો પણ પ્રેરિત થશે.

(12:52 pm IST)