Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પબ્લિક સેકટરની બેંકના ૨૪૫૦ કરોડના કૌભાંડમાં સ્ટાફની જ સંડોવણીઃ RBI

મહારાષ્ટ્રમાં ફ્રોડના સૌથી વધુ કેસઃ ત્રણ વર્ષમાં આવા ૧૨૩૨ કેસ નોંધાયા

બેંગ્લોર તા. ૩ : રોજબરોજ બેંકના નવાં નવાં કૌભાંડો બહાર આવી રહ્યાં છે. ત્યારે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક ડેટા જાહેર કર્યો છે. જે મુજબ મોટાભાગના કૌભાંડોમાં જે-તે બેંકના કર્મચારીઓની જ સંડોવણી જોવા મળી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આરબીઆઇના આ ડેટા પર નજર ફેરવી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી.

એપ્રિલ ૨૦૧૩થી જૂન ૨૦૧૬ના ડેટા મુજબ બેંક કર્મચારીઓની સંડોવણીને લીધે ૧ લાખ કે તેથી વધુ રકમના કુલ ૧૨૩૨ ફ્રોડમાં બેંકોએ ૨૪૫૦ કરોડ રૂપિયા ગુમાવ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે સબસિકવન્ટ કવાર્ટરમાં રાજય પ્રમાણે ડેટા કલાસિફાય કરશે.

ફ્રોડના મોટાભાગના કિસ્સાઓ દક્ષિણ ભારતમાં જોવા મળ્યા છે. આવા સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬૦૯ (૪૯%) કેસ નોંધાયા, જયાં બેંકના ૪૬૨ કરોડ રૂપિયા ડૂબ્યા. જો કે રાજસ્થાનમાં માત્ર ૩૮ (૩%) ફ્રોડના કિસ્સા સામે આવ્યા છે જેમાં સ્ટાફની સંડોવણી હોય, પણ આ કિસ્સાઓમાં બેંકના ૧૦૯૬ કરોડ ડૂબ્યા. બેંક કર્મચારીઓની સંડોવણી વાળા ફ્રોડના સૌથી વધુ કેસ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે જયારે રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રૂપિયા ડૂબ્યા છે.

નામ ન આપવાની શરતે એક બેંક મેનેજરે કહ્યું કે, 'સાઉથમાં આવા સૌથી વધુ કિસ્સા બનવાનું કારણ એ છે કે ત્યાં બેંકની બ્રાન્ચ વધુ આવેલી છે અને અહીંયા અર્બન સેન્ટરના નંબર પણ વધુ છે. જો કે સ્ટાફની સંડોવણી વાળા ગુનાઓ માટેનું આ કોઇ બહાનું નથી.'

ડેટા પરથી તારણ સામે આવે છે કે રાજસ્થાન સહિતના વધુ રકમના કૌભાંડવાળા સ્ટેટમાં આ ગુનાએ એડવાન્સિસ રિલેટેડ હોય છે જયારે દક્ષિણી રાજયોના ગુનાઓ ડિપોઝિટ સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે ડિપોઝિટ રિલેટીડ ફ્રોડમાં અમાઉન્ટ એટલું વધુ નથી હોતું. કર્મચારીઓને લાંબા સમયથી એક જ બ્રાંચમાં કામ કરવા દેવામાં આવતાં પ્રાઇવેટ સેકટર બેંકને નુકસાન થતું હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, આવા કિસ્સાઓમાં બેંક માત્ર ઝડપથી ગુમાવેલા પૈસા પાછા મેળવી લે તેના પર ધ્યાન આપે તે જરૂરી નથી, પણ ગુનો કરનાર આરોપીઓ સજામાંથી બચી ન જાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.(૨૧.૧૨)

(11:37 am IST)