Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રામ મંદિર નિર્માણનો ટૂંકમાં આવી જશે ઉકેલઃ શ્રીશ્રી રવિશંકર

બધુ જ સાચી દિશામાં ચાલી રહ્યું છેઃ લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, તે એક સારી બાબત છે

નવી દિલ્હી તા. ૩ : આર્ટ ઓફ લિવિંગનાં સ્થાપક તેમજ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર જણાવ્યું છે કે તેમને સંપૂર્ણ આશા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો દરેક પક્ષો વચ્ચે પરસ્પરની સર્વાનુમતી કેળવી ઉકેલ લાવવામાં આવશે અને મંદિર નિર્માણનો રસ્તો પણ બિલકુલ સરળ થઇ જશે.

બીજી બાજુ અહીં દિલ્હી-આગરા-રાજમાર્ગ પર કોસીકલાંના સ્થાનીક આશ્રમમાં દેશી-વિદેશી ભકતજનોની સાથે હોળીનું પર્વ ઉજવવા પણ તેઓ અહીં આવ્યા હતાં.

રવિશંકર મહારાજે કહ્યું હતું કે તેઓ દેશનાં ખૂણે-ખૂણે જઇને બંને સંબંઘિત સમુદાયોની વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનાં પ્રયાસ કરશે. બધું જ સાચી દિશામાં ચાલી રહ્યું છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યાં છે. આ એક સારી બાબત છે. તેમણે જણાવ્યું હતું કે હું બંને પક્ષોની વચ્ચે સર્વાનુમતી સધાય તે માટેનાં પ્રયત્નોમાં સતત વ્યસ્ત છું.

અનેક સમજૂતીઓ સાથે પૂરા દેશમાં આ બાબતને લઇને મને સમર્થન મળી રહ્યું છે. દરેક પક્ષકાર સાથે વાતચીતનો ક્રમ સતત રાખતા આ મામલે વધુ પ્રયાસ પણ શરૂ રહેશે. આશા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો ખૂબ જ જલ્દી ખુલી જશે.

આ પહેલાં પ્રદેશ સરકારમાં સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, લઘુમતી અને વકફ બાબતોનાં મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણની સાથે તેઓએ અડધો કલાક એકલતામાં મંત્રણા કરી અને મંદિર બનાવવા મામલે દરેક પક્ષોની સહમતિ સધાય અને મંદિરનાં નિર્માણની બાધાઓ દૂર કરવા પર વાતોને કેન્દ્રીત કરી.(૨૧.૧૫)

(11:32 am IST)