Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

દલાઇ લામાને પૂરો ટેકો, ચીનની ચાપલૂસી નહીં કરાયઃ ભારત

બીજિંગ દલાઇ લામાને 'જોખમી ભાગલાવાદી' અને તિબેટને ચીનનો જ ભાગ ગણાવે છે

નવી દિલ્હી તા. ૩ : સરકારે પોતાના દ્વારા ચીનને ખુશ કરવા દલાઇ લામાને લગતું વલણ બદલાયું હોવાનો શુક્રવારે ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે આ આધ્યાત્મિક નેતા ભારતમાં પોતાની ધાર્મિક પ્રવૃત્ત્િ। છૂટથી કરી શકે છે.

કેન્દ્રે આ બૌદ્ઘ આધ્યાત્મિક નેતાના ભારતમાંના દેશવટાના ૬૦ વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમથી દૂર રહેવા સરકારી અધિકારીઓને સૂચના અપાઇ હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો. બીજિંગ દલાઇ લામાને 'જોખમી ભાગલાવાદી'અને તિબેટને ચીનનો જ ભાગ ગણાવે છે.

અગાઉ, ચીનની સરકારે તિબેટની સ્વતંત્રતાની ચળવળ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું હોવાથી દલાઇ લામા ૧૯૫૯ના માર્ચમાં તિબેટના લહાસાથી નાસીને ભારત આવ્યા હતા. દલાઇ લામા ભારતમાં ધર્મશાલા ખાતે રહે છે અને ત્યાં જ તેમનું વડું મથક આવેલું છે. આ સ્થળે અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ભારત, નેપાળ અને ભુતાનથી આવેલી અનેક બૌદ્ઘ સાધ્વીએ તિબેટના આધ્યાત્મિક નેતાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દલાઇ લામાએ જણાવ્યું હતું કે મેં ભારતમાં આવ્યા બાદ સાધુઓ અને સાધ્વીઓને બૌદ્ઘ ધર્મનો વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

વિદેશ મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારનું દલાઇ લામાને લગતું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. ભારતના લોકો તેમને માન આપે છે અને તેમને ભારતમાં પોતાની ધાર્મિક પ્રવૃત્ત્િ। ચાલુ રાખવાની સંપૂર્ણ છૂટ અપાયેલી છે.(૨૧.૧૪)

(11:31 am IST)