Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં 'માતૃભાષા દિન' નિમિતે યોજાયેલ કાર્યક્રમ ૭૦૦ વિદ્યાર્થીઓએ માણ્યો

શ્નમાતૃભાષા ગૌરવ દિનલૃનિમિત્ત્।ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે વિશેષ કાર્યક્ર્મનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું હતું. એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે ૭૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્ર્મને રસપૂર્વક માણ્યો હતો.  ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા તેમના માતા કુસુમબેન મેઘાણી, જાણીતાં લેખિકા,  નેશનલ બુક ટ્રસ્ટ - રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના પૂર્વ-નિયામક અને અમૃતલાલ શેઠના દોહિત્રી ડો. વર્ષાબેન દાસ, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. આકર્ષક રંગીન ચિત્રો સાથે રસપ્રદ શૈલીમાં પ્રેરણાદાયી વાર્તા ડો. વર્ષાબેન દાસે રજૂ કરી જે વિદ્યાર્થીઓને ખૂબ પસંદ આવી હતી. મહાત્મા ગાંધી, કસ્તૂરબા અને ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગો પણ રજૂ થયા. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળની મુલાકાત લઈને સહુએ ત્યાં ભાવાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્ર્મ માટે ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને સાથીઓનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે.

આલેખનઃ પિનાકી નાનકભાઇ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:14 am IST)