Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બારામુલા ખાતે પાકથી વીઝા મેળવીને આવેલા બે ત્રાસવાદી પકડાયા : હુમલાનો ઇરાદો હોવાના સંકેત

જમ્‍મુઃ: જમ્‍મુઃ  બારામુલા ખાતે લશ્કર--તૈયબાના બે ત્રાસવાદીઓએ શનિવારે પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે દિલ્હી ખાતેના પાકિસ્તાનના રાજદૂતે તેમને વીઝા આપ્યા હતા. બંને ત્રાસવાદી હુમલાઓ કરવા માટે પાકિસ્તાનમાં તાલીમ મેળવી ચુક્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે કડક સુરક્ષાને કારણે ઘુસણખોરી મુશ્કેલ બનતાં પાડોશી દેશ કાયદેસરના વીઝા આપીને હવે ત્રાસવાદીઓને મોકલી રહ્યો છે.

બારામુલા પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ થઈ છે તે ત્રાસવાદીઓને પાકિસ્તાનના રાજદૂતે બંનેને વીઝા આપ્યા હતા. પાકિસ્તાન દ્વારા યુવાનોને ત્રાસવાદની તાલીમ માટે લાલચ આપવામાં આવતી હોય તેવા અનેક પ્રકારના ટેરર મોડયુલ્સનો જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા વીતેલા વર્ષોમાં પર્દાફાસ થઈ ચુક્યો છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસ.પી.વૈધ્યે જણાવ્યું હતું કે કડક સુરક્ષાને કારણે ઘુસણખોરી મુશ્કેલ બનતાં ત્રાસવાદીઓ હવે કાયદેસરના વીઝાની મદદથી પ્રવેશ કરવા લાગ્યા છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે લશ્કર--તૈયબા સંગઠન સાથે સંબંધ ધરાવતા બંને ત્રાસવાદી વાઘા - અટારી બોર્ડરથી પાછા ફર્યા હતા. પાછા ફરીને બંને કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થવાના હતા પરંતુ તે પહેલાં તેમની ધરપકડ થઈ ચુકી છે.

બંને ત્રાસવાદીની ઓળખ અબદુલ મજીદ ભટ અને મહમદ અશરફ મીર તરીકે થઈ છે. બંનેએ દાવો કર્યો છે કે કાશ્મીર ખીણ વિસ્તારમાં ત્રાસવાદી હુમલા કરવા પાકિસ્તાનની તાલીમી છાવણીમાં બંનેને તાલીમ આપવામાં આવી હતી.

અદનાન અને કૂટનામ જેવા ઉપનામો ધરાવતા ત્રાસવાદી કમાન્ડર્સ તે છાવણીઓનું સંચાલન કરે છે. બંનેને પાકિસ્તાનના યુવાનો સાથે તાલીમ આપવામાં આવી હતી. તાલીમી છાવણીઓ બલુચ પ્રાંતમાં છે અને તેમાં દશ વર્ષના બાળકો પણ તાલીમ લઈ રહ્યા છે.

(1:25 am IST)