Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારશે CBI

બોફોર્સ તોપ કેસમાં ૧૨ વર્ષ બાદ નવો વળાંક આવ્યો

નવી દિલ્હી તા. ૩ : બોફોર્સ તોપ કેસમાં ૧૨ વર્ષ બાદ નવો વળાંક આવ્યો છે. CBIએ આરોપીઓ સામે તમામ આરોપો નકારી દેવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ૬૪ કરોડ રુપિયાની દલાલી સાથે સંકળાયેલો બોફોર્સ કેસ રાજકીય દ્રષ્ટિએ પણ ઘણો સંવેદનશીલ છે. આપને જણાવી દઈએ કે, CBIએ દિલ્હી હાઈકોર્ટના ૩૧ મે ૨૦૦૫ના ચુકાદા વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.હાઈકોર્ટે તેના ચુકાદામાં ઉદ્યોગપતિ હિન્દુજા બંધુ અને બોફોર્સ કંપની સામે લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા હતાં. હવે આશરે ૧૨ વર્ષ બાદ CBI દ્વારા આ કેસને પડકારવો ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલની સલાહને અવગણીને આ અપીલ કરવામાં આવી છે.

એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું હતું કે, CBIએ બોફોર્સ કેસમાં સ્પેશિયલ લીવ પિટિશન (SPL) ફાઈલ કરવી જોઈએ નહીં. આ માટેનો તર્ક આપતા તેમણે જણાવ્યું કે, આ કેસ ઘણા જ વર્ષોથી પડતર છે, આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ કેસને ફગાવી શકે છે. એટર્ની જનરલના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં CBIનો તર્ક ટકી શકે નહીં. કારણકે મોદી સરકારને સત્તામાં આવ્યાને પણ ૩ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

બોફોર્સ તોપ કેસ અનેક રાજકીય ઉથલપાથલનું કારણ બની ચુકયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચર્ચા-વિચારણા બાદ અધિકારી અપીલ દાખલ કરવા સહમત થઈ ગયાં હતાં, કારણકે CBIએ હાઈકોર્ટના નિર્ણયને પડકારવા માટે કેટલાક મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ તેમની સામે રજૂ કર્યાં હતાં.

(10:43 am IST)