Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ તબક્કાવાર રીતે ઓછી થશે

૨૦૦૦ની નવી નોટ ઓછી પ્રિન્ટ થઇ રહી છે : સરક્યુલેશનમાં માર્ચના આંકડા મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૭ ટકા, ૫૦૦ની નોટ ૪૩ ટકામાં હતી : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૩ : રૂપિયા ૨૦૦૦ની નવી નોટ શરૂ કરવામાં આવ્યાના બે વર્ષ બાદ હવે ભારતમાં રૂપિયા  ૨૦૦૦ની નવી નોટ ઓછા પ્રમાણમાં પ્રિન્ટ થઇ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબક્કાવારરીતે રૂપિયા ૨૦૦૦ની નોટને ઓછી કરી દેવાના ઇરાદા સાથે આ હિલચાલ ચાલી રહી છે. આ ૨૦૦૦ રૂપિયાની નવી નોટનો ઉપયોગ પણ મની લોન્ડરિંગ, કરચોરી અને સંગ્રહખોરી માટે કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ બાદથી આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. નોટબંધી બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૨૦૦૦ની નવી નોટ રજૂ કરવામાં આવી હતી. વ્યાપક રોકડ કટોકટીને ટાળવાના હેતુસર સરકારે ૨૦૦૦ રૂપિયાની નવી નોટ રજૂ કરી હતી. માર્ચ ૨૦૧૮માં સરક્યુલેશનમાં કરન્સી નોટની કુલ કિંમત ૧૮.૦૩ ટ્રિલિયન હતી જે પૈકી ૬.૭૩ ટ્રિલિયન અથવા તો ૩૭ ટકા રકમ ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી જ્યારે ૭.૭૩ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૪૩ ટકા રકમ રૂપિયા ૫૦૦ના નોટમાં રહેલી છે જ્યારે બાકીની રકમ નાના દરના નોટમાં છે. ૨૦૦૦ રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી ત્યારે મોદી સરકારની ટિકા થઇ હતી. નરેન્દ્ર મોદી સરકારની તે વખતે ટિકા એટલા માટે કરવામાં આવી હતી કે, ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં આવી હતી. તેના બદલામાં ૨૦૦૦ રૂપિયાની નોટ શરૂ કરવામાં આવી રહી છે. કાળા નાણાં ઉપર બ્રેક મુકવા અને આતંકવાદીઓના મૂડી પ્રવાહને રોકવાના ઇરાદા સાથે રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ની નોટ બંધ કરવામાં આવી હતી.

 

 

(7:46 pm IST)