Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સંસદ : સુષ્માના જવાબ બાદ કોંગ્રેસનું વોકઆઉટ : ૧૯ સાંસદો સસ્પેન્ડ

લોકસભામાં ભારે ધમાલ : સાંસદોની નારેબાજી - કાગળો ફેંકાયા : સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ફ્રાંસના વિદેશમંત્રી ખુશ હતા : રાફેલ મુદ્દો હવે સ્પષ્ટ થઇ ચુકયો છે : સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી તા. ૩ : લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હોબાળો શરૂ થઇ ગયો છે. વિવિધ પક્ષોના સાંસદો વેલમાં ધસી આવ્યા તેમજ આ ઉપરાંત અનેક પક્ષોના સાંસદ સબરીમાલા મંદીરના મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ થયો છે. રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સતત ઠપ થઇ રહી છે. તેઓએ દરેક સાંસદોને ગૃહ ચાલવા દેવાની અપીલ કરી. આ ઉપરાંત સભાપતિએ કહ્યું કે, વારંવાર અપીલ છતાં હોબાળો ચાલુ જ છે ત્યારે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભા સ્પીકરે ટીડીપીના ૧૨ અને AIADMKના ૭ સાંસદોને વેલમાં આવી જવા પર ૪ દિવસો માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

ત્યારબાદ ફરી લોકસભાની કાર્યવાહી શરૂ થતા હોબાળો શરૂ થવા લાગ્યો. ટીડીપીના સાંસદ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અંગે વેલમાં આવીને વિરોધ કરી રહ્યા છે. સંસદમાં કાગળો ઉલાળવામાં આવ્યા. તેના પર સંસદીય કાર્ય મંત્રી નરેન્દ્રસિંહે તોમરે કહ્યું કે, આ પ્રકારના વ્યવહારથી સંસદની મર્યાદા ધૂળધાણી થઇ રહી છે. ૧૯ સાંસદોનું નામ લઇને કહ્યું કે, તમે ગૃહની કાર્યવાહીને જાણી જોઇને બાધિત કરી રહ્યા છો. તેથી તમે સત્રમાં વધેલા ૪ દિવસ માટે સંસદની કાર્યવાહીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. હોબાળા બાદ સ્પીકરે સંસદની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

રાજ્યસભામાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ રાફેલ અંગે સવાલ કર્યા. જેના જવાબમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, તે અંગે વિવાદ નથી. તમે તેને સમર્થન આપી રહ્યા છો. વિવાદ ફકત કોંગ્રેસના મનમાં છે. ફ્રાંસના વિદેશ મંત્રી સાથે તેના પર કોઇ ચર્ચા થઇ નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ફ્રાંસના વિદેશ મંત્રી ખુશ હતા. સુષ્માના જવાબ બાદ આનંદ શર્માએ વોકઆઉટ કર્યું.

(3:31 pm IST)