Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

હવે ‘કરો યા મરો'નો નિર્ધાર : ૨ દિ' પ્રચારનું વાવાઝોડુ

સોમવારે બીજા તબક્કાનું મતદાન : કાલે સાંજે પ્રચાર પડઘમ બંધ થશે : ૯૩ બેઠકો માટે થશે મતદાન : ભાજપ - કોંગ્રેસ - આપ સાબદા : પ્રથમ તબક્કાની ચૂંટણીનું પોસ્‍ટમોર્ટમ - લેખાજોખાના આધારે રણનીતિ ઘડતા રાજકીય પક્ષો : વધુ મતદાનના પ્રયાસો હાથ ધરવા કવાયત : પ્રથમ તબક્કાનું સંભવિત ‘ગાબડું' પુરવા એડીચોટીનું જોર લગાવવા નિર્ધાર

નવી દિલ્‍હી, તા.૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૯ જીલ્લાની ૮૯ બેઠકો માટે ગઇકાલે શાંતિપૂર્વક મતદાન યોજાયા બાદ હવે સો કોઇનું ધ્‍યાન સોમવારે ૯૩ બેઠકો માટે યોજાનારા મતદાન ઉપર કેન્‍દ્રિત થયું છેે. આ તબક્કાના મતદાન માટે જાહેર પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે પડદો પડી જશે એ પૂર્વે આજે અને કાલે જાહેર પ્રચારનું વાવાઝોડુ ફુંકાઇ રહ્યું છે. વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પ્રથમ તબક્કાની ચંટણીમાં અપેક્ષાથી ઓછુ મતદાન થતા બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા અને પ્રથમ તબક્કામાં સંભવિત બેઠકોનું ગાબડુ પુરવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાડવાનો નિર્ધાર કર્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીનું પોસ્‍ટમોર્ટમ અને મતદાનના લેખાજોખાના આધારે બીજા તબક્કા માટેની રણનીતિ તૈયાર થઇ રહી હોવાનું જાણવા મળે છે.

બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન રસપ્રદ રહેશે. રાજકીય પક્ષો કોઇ કસર નહી છોડે તેથી આ ચૂંટણી ઉપર સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થશે. મહાનગરો ભાજપના ગઢ ગણાય છે તેથી અહિં તે વધુ જોરથી લડશે એ નક્કી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુરુવારરાત્રે ૯૩ બેઠકો પર બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદમાં લગભગ ૫૦ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. આ તબક્કામાં જે મતવિસ્‍તારો માટે ચૂંટણી યોજાવાની છે તેમાં વડાપ્રધાન મોદી અને ગળહમંત્રી અમિત શાહના મતવિસ્‍તારનો પણ સમાવેશ થાય છે. આવી સ્‍થિતિમાં ભાજપ માટે આ તબક્કો પ્રતિષ્ઠાની સાથે ચૂંટણીમાં પોતાની ધાર મજબૂત કરવા માટે મહત્‍વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત જ્‍યાં તે છેલ્લી વખત કોંગ્રેસથી પાછળ રહી હતી. કોંગ્રેસ માટે પણ આ તબક્કો ઘણો મહત્‍વનો છે.

ભાજપે આ વખતે વડાપ્રધાનના રોડ શોને નવો આયામ આપ્‍યો છે. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રોડ શોને ભાજપ દ્વારા પ્રતિમાઓ પર પુષ્‍પાંજલિ' કાર્યક્રમનું નામ આપવામાં આવ્‍યું હતું, જેમાં રસ્‍તામાં વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પહેલા તબક્કાના મતદાન દરમિયાન જ ભાજપે આ મોટા કાર્યક્રમ દ્વારા ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાની બેઠકો માટેની તૈયારીઓને સાફ કરી દીધી છે. આ તબક્કામાં ૯૩ બેઠકોમાંથી ભાજપે ૫૧ અને કોંગ્રેસે ૩૯ બેઠકો જીતી છે.

બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. આ બેઠકોનો મોટો હિસ્‍સો મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનની સરહદનો છે. આમાં આદિવાસી પ્રભુત્‍વ ધરાવતો પંચમહાલ વિસ્‍તાર પણ છે ની સાથે જ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો અને શ્‍વેત ક્રાંતિવાળુ આણંદ પણ છે. ભાજપની રણનીતિ અહિં સ્‍થિતિ મજબુત કરવાની છે.

કૉંગ્રેસ બીજા તબક્કામાં ચૂંટણીમાં જઈ રહેલા મતવિસ્‍તારોમાં, ખાસ કરીને રાજસ્‍થાનની સરહદે આવેલા ઉત્તર ગુજરાતમાં તેની અગાઉની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

રાજસ્‍થાનમાં કોંગ્રેસ સરકાર અને તેના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત પણ કોંગ્રેસનું ચૂંટણી સંચાલન સંભાળી રહ્યા છે. આવી સ્‍થિતિમાં આ વિસ્‍તાર તેમના માટે પણ મહત્‍વપૂર્ણ છે. આ સરહદી વિસ્‍તારમાં બંને રાજ્‍યોના મુદ્દાઓ અને સંબંધોનો ઘણો પ્રભાવ છે. આગામી વર્ષે રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીના દૃષ્ટિકોણથી પણ આ વિસ્‍તાર મહત્‍વપૂર્ણ છે.

PM મોદી અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર કરશે. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી આજે રાજ્‍યના ૪ જિલ્લાઓને ગજવશે. જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં PM મોદી જાહેર જનસભાઓને સંબોધશે.

PM મોદી આજે બનાસકાંઠાનું કાંકરેજ, પાટણનું યુનિવર્સિટી ગ્રાઉન્‍ડ, આણંદનું સોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભાને સંબોધશે. મહત્‍વનું છે કે, ૫મી ડિસેમ્‍બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.

બીજી બાજુ ગળહમંત્રી અમિતભાઇ શાહ પણ બીજા તબક્કાની ચૂંટણીને લઇ આજે તડામાર પ્રચાર કરશે. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ આજે ૩ જિલ્લાઓમાં જનસભાઓને સંબોધશે. જેમાં મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં અમિત શાહ જાહેરસભા કરશે.  અમિતભાઇ શાહ આજે મહેસાણાના બેચરાજી અને વીજાપુરમાં, અમદાવાદના ચાંદખેડામાં જાહેર જનસભાને સંબોધશે. તો બીજી બાજુ વડોદરામાં પણ અમિત શાહનો આજે રોડ-શો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે PM મોદીએ અમદાવાદમાં ૫૦ કિમીનો રોડ શો યોજ્‍યો હતો. શહેરના નરોડાથી લઇને PM મોદીએ ચાંદખેડા સુધી ભવ્‍ય રોડ-શો યોજ્‍યો હતો. મહત્‍વનું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ફરી વાર ૨ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્‍યા છે. ત્‍યારે PM મોદીએ ગઇકાલે અમદાવાદમાં ભવ્‍ય રોડ શો યોજ્‍યો હતો. જેમાં લોકો હજારોની સંખ્‍યામાં દોડતા-નાચતા દેખાયા હતા.

નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્‍બરે એટલે કે ગઇકાલે પૂર્ણ થઇ ગયું છે. ત્‍યારે હવે ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેનું પરિણામ ૮ ડિસેમ્‍બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ ૮ ડિસેમ્‍બરે જાહેર કરવામાં આવશે.

(11:20 am IST)