Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સરકારે ક્રુડ પર વિન્‍ડફોલ ટેક્ષ ઘટાડીને કર્યો અડધો

ડીઝલ એક્‍સપોર્ટની ડયુટીમાં પણ ઘટાડો

નવી દિલ્‍હી તા. ૨ : સરકારે ગુરૂવારે ઘરેલુ સ્‍તરે ઉત્‍પાદિત કાચા ઓઇલ પર લગાડેલ વીન્‍ડફોલ ટેક્ષને ઘટાડીને અડધો કરી દીધો છે. સાથે જ ડીઝલ પર લાગતા શૂલ્‍કને પણ ઘટાડી દેવામાં આવ્‍યું છે. સુધારેલ દરો આજ ૨ ડીસેમ્‍બરથી અમલી બનશે.

સરકારી માલિકીની ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા કાઢવામાં આવતા કાચા ઓઇલ પર વીન્‍ડફોલ ટેક્ષને વર્તમાન ૧૦૨૦૦ રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને ૪૯૦૦ રૂપિયા પ્રતિ ટન કરી દેવાયો છે. ગુરૂવારે જાહેર કરાયેલ એક સરકારી અધિસૂચનામાં આ માહિતી અપાઇ હતી.

વીન્‍ડફોલ ટેક્ષની દર ૧૫ દિવસે સમીક્ષા કરતા સરકારે ડીઝલની નિકાસ પર લગાવેલ શૂલ્‍કને ૧૦.૫ રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને આઠ રૂપિયા પ્રતિ લીટર કરી નાખ્‍યું છે. આ શૂલ્‍કમાં ૧.૫ રૂપિયા પ્રતિ લીટરનો રોડ ઉપકર પણ સામેલ છે.

હાલમાં પેટ્રોલ પર ખાસ વધારાનું ઉત્‍પાદન શુલ્‍ક નથી લગાવાઇ રહ્યું, જ્‍યારે વિમાન ઇંધણ એટીએફ પર તે પાંચ રૂપિયા પ્રતિ લીટર છે. જ્‍યારે આ લેવી પહેલીવાર લાગુ કરાઇ હતી ત્‍યારે ડીઝલ અને એટીએફની સાથે પેટ્રોલની નિકાસ પર પણ વીન્‍ડફોલ ટેક્ષ લગાવાયો હતો. જો કે પછી દર ૧૫ દિવસે થતી સમીક્ષામાં પેટ્રોલ પરથી વીન્‍ડફોલ ટેક્ષ હટાવી દેવાયો હતો.

(11:06 am IST)