Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રનવે ખાલી કરવા મુસાફરોએ વિમાનને ધક્કો મારવો પડ્યો

નેપાળમાં વિચિત્ર ઘટના જોવા મળી : નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર સુવિધા આપી ન રહી હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૨ : ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવુ તો ઘણી વખત બનતુ હોય છે.આવા દ્રશ્યો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે.

જોકે પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારતા નજરે પડ્યા હતા.

આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટારાયના કહેવા મુજબ વિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી ગયુ હતુ.

તેના કારણે તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ.જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.

એક યુઝરે કહ્યુ હતુ કે, નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર જરુરી સુવિધાઓ આપી રહી નથી.જેનુ વિમાન બગડયુ છે તે એરલાઈન નેપાળના પડકારજનક એરપોર્ટ પર પણ વિમાનોનુ સંચાલન કરી રહી છે.

(7:42 pm IST)