Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૬ વર્ષ બાદ બે વિદ્યાર્થીઓને મળ્યું બે કરોડ રૂપિયાનું પેકેજ!

પ્રખ્યાત IITસંસ્થાઓમાં પ્લેસમેન્ટ થયું શરૂ

નવી દિલ્હી, તા.૨: દેશની ખ્યાતનામ IIT સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સિઝન શરુ થઈ ચુકી છે અને લગભગ ૬ વર્ષ બાદ કેટલાક વિદ્યાર્થીઓને બે કરોડ રુપિયાનુ સેલેરી પેકેજ ઓફર થયું છે. મળતી વિગતો પ્રમાણે આઈઆઈટી બોમ્બે, મદ્રાસ, રુડકી, ગૌહાટી, કાનપુર અને વારાણસીના કેટલાક વિદ્યાર્થીઓને અમેરિકાની ઉબેર ટેકનોલોજી કંપનીએ ૨.૭૪ લાખ ડોલર એટલે કે ૨ કરોડ રુપિયા કરતા વધારે રકમનુ પેકેજ ઓફર કર્યુ છે.

આ પેકેજમાં ૯૬ લાખ રુપિયાનો બેઝિક પગાર, ટારગેટ કેશ બોનસ, ન્યૂ હાયર ગ્રાન્ટ અને સાઈન ઓન બોનસનો સમાવેશ થાય છે. જોકે ૬ વર્ષ પછી વિદ્યાર્થીઓને આટલું જંગી પેકેજ ઓફર કરાયું છે. ગયા વર્ષે અમેરિકાની કોહેસિટી કંપનીએ ૨ લાખ ડોલરનું પેકેજ એટલે કે ૧.૪૮ કરોડ રુપિયાનું પેકેજ ઓફર કર્યું હતું. ઉબેર ટેકનોલોજીનું હેડકવાર્ટર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. કંપનીએ વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પેકેજ પર કોઈ ટિપ્પણી કરી નથી.

ટેકનોલોજી સેકટરમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે દુનિયાભરની કંપનીઓમાં સ્પર્ધા હોય છે. આ વખતે દ્યરેલુ અને્ વિદેશી કંપનીઓ દ્વારા ૧ કરોડ રુપિયાથી વધારે પેકેજ ઓફર કરાયુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. આઈઆઈટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ લેવા માટે આવતી કંપનીઓમાં ઉબેર, જેપી મોર્ગન, ફ્લિપકાર્ટ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, કવાલકોમ, ગોલ્ડમેન શાકસ, આઈટીસી, ઓરેકલ જેવી જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

(3:42 pm IST)