Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોરોનાનાં નિયમ મામલે કેન્દ્ર - ઉધ્ધવ સરકાર આમને-સામને

કેન્દ્રએ ઓમિક્રોન મામલે નવી ગાઇડલાઇન્સ જારી કરી રાજ્યોને અમુક નિર્દેશો આપ્યા'તા પણ મહારાષ્ટ્ર સરકારે અલગ સૂર-તાલ આલાપ્યા : મહારાષ્ટ્ર પોતાના નિયમોમાં કોઇ ફરેફાર નહિ કરે : કેન્દ્રની વાત માનવા ઇન્કાર : રાજ્યએ પોતાના અધિકાર ક્ષેત્રની વાત જણાવી

મુંબઇ તા. ૨ : કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે રાજકારણ ઉપરાંત હવે કોરોના મહામારી પર પણ ટકરાવ સામે આવ્યો છે. નવો વિવાદ કોવિડ-૧૯ના ઓમીક્રોન વેરીયેન્ટ પછી સામે આવ્યો છે. ખરેખર તો, કેન્દ્ર સરકારે હાલમાં જ કેટલાક દિશાનિર્દેશો બહાર પાડીને રાજ્યોને કોરોનાને રોકવાની રીતો જણાવી હતી, તો મહારાષ્ટ્ર સરકારે આ દિશાનિર્દેશોથી એક ડગલુ આગળ જઇને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેટલાક વધુ નિયમો લાગુ કરી દીધા. આના લીધે બન્ને પક્ષો વચ્ચે ટકરાવ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે.

જણાવાઇ રહ્યું છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારને હાલમાં જ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની તેની નવી ગાઇડલાઇન્સ કેન્દ્રથી અલગ છે એટલે તેણે પોતાના નિયમો કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કરવા પડશે જેથી દેશભરમાં ગાઇડલાઇન્સ એક સમાન રીતે લાગુ કરી શકાય.

જો કે એક મીડીયા ગ્રુપ સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રના મુખ્ય સચિવ દેવાશીષ ચક્રવર્તીએ સ્પષ્ટતા કરી કે મહારાષ્ટ્ર અત્યારે પોતાની ગાઇડલાઇન્સમાં કોઇ સુધારા કે ફેરફાર નહીં કરે. પછી આવા કોઇ ફેરફાર પર વિચારણા કરી શકાય છે. અને ત્યારે જ પ્રતિબંધો બાબતે પણ વિચાર કરવામાં આવશે.

મુંબઇ નગર નિગમે બુધવારે શહેરના એરપોર્ટ પર ઉતરનાર દરેક ઘરેલુ મુસાફરોને ૭૨ કલાકથી વધારે જૂનો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ લાવવાનું ફરજીયાત કરી દીધું છે. બીએમસીએ એક સર્કયુલરમાં મુંબઇ એરપોર્ટ ઓપરેટરને બધી સ્થાનિક એરલાઇન્સોને આ નવા નિયમ અંગે જણાવવા કહ્યું છે.

(10:47 am IST)