Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦૦ બેઠકો નહિ મળે

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની ભવિષ્યવાણી : કોંગ્રેસ પક્ષે અત્યારથી પરાજય સ્વીકારી લીધો : કાશ્મીરમાં ફરીથી ૩૭૦મી કલમ લાગુ કરવી હવે અશકય છે : માત્ર સુપ્રિમ કોર્ટ અને કેન્દ્ર જ બહાલ કરી શકે

જમ્મુ તા. ૨ : કોંગ્રેસના સીનીયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે તેમને નથી લાગતું કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦૦ બેઠકો મળે કેમકે અત્યારે પરિસ્થિતિ એવી નથી. બુધવારે જમ્મુ કાશ્મીરના પુંચમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે આ વાત કરી હતી.

કલમ ૩૭૦ બાબતે પોતાના મૌનને યોગ્ય ગણાવતા આઝાદે કહ્યું કે, ફકત સુપ્રીમ કોર્ટ જ્યાં આ કેસ ચાલે છે અને કેન્દ્ર સરકાર જ તેને પાછી લાવી શકે તેમ છે. ભાજપાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ને રદ્દ કરી છે એટલે તે તો તેને પાછી લાવશે નહીં. હું તમને કહું કે, હું તેને પાછી લાવીશ તો તે ખોટુ઼ છે.

ગુલામ નબી આઝાદે કહ્યું 'હું લોકોને ખુશ કરવા માટે એવું નહીં બોલું જે અમારા હાથમાં નથી. હું ખોટા વાયદા કરૃં, કલમ ૩૭૦ પાછી લાવવાનું કહું તે યોગ્ય નથી. કલમ ૩૭૦ને લોકસભામાં બહુમતિવાળી સરકાર જ લાવી શકે. સરકાર બનાવવા માટે ૩૦૦ સાંસદો જોઇએ. હું એવો વાયદો નહીં કરી શકું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અમારા ૩૦૦ સાંસદો જીતીને લોકસભામાં જશે. મને અત્યારે એવું નથી લાગતું કે અમે ૩૦૦ બેઠકો જીતશું. હું તમને કોઇ ખોટા વચનો નહીં આપું. એટલે હું કલમ ૩૭૦ હટાવવાની વાત નહીં કરૃં.'

આ પહેલા જમ્મુના કિશ્તવાડ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા ઉમર અબ્દુલ્લાએ આઝાદની એ કથિત ટિપ્પણી પર નિરાશા વ્યકત કરી હતી. જેમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, કલમ ૩૭૦ અંગે બોલવું વ્યર્થ છે. આ બાબતે આઝાદે કહ્યું હતું, 'મીડિયાના કેટલાક વર્ગોએ કાશ્મીરમાં મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું એ સ્પષ્ટતા કરી દઉં કે પાંચ ઓગસ્ટના નિર્ણય પર અમારૃં વલણ એક જ છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરના લોકોમાં વ્યાપક અસંતોષ છે.'

(10:19 am IST)