Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ચાર કરોડ રોકડા અને ૯ કરોડની જ્વેલરી જપ્ત

આઇટીના જયપુરના જ્વેલરી, જેમ્સ ગ્રુપમાં દરોડા : રૂ. ૫૦૦ કરોડનું કાળુ નાણું પકડાયું

કિંમતી પથ્થરોના કેટલાક ભાગ રોકડમાં વેંચી તેની ચોપડે કોઇ નોંધ કરાતી ન હતી : આ રકમમાંથી ઉંચા વ્યાજે રોકડમાં લોન પણ અપાતી હતી

નવી દિલ્હી,તા.૨: આવકવેરા વિભાગે જયપુર સ્થિત જવેલરી અને રંગીન જેમ સ્ટોનના મેન્યુફેકચરિંગ અને નિકાસ સાથે સંકળાયેલ  ગ્રુપમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કાઢ્યું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આવકવેરા વિભાગે ગ્રુપના પાંચ પરિસરોમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું હતું. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર કરોડ રૂપિયા રોકડા અને ૯ કરોડ રૂપિયાની જવેલરી પણ જપ્ત કરી હતી.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગ્રુપમાંથી કુલ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બ્લેક ઇનકમ શોધવામાં આવી છે. જે પૈકી જૂથે ૭૨ કરોડ રૂપિયાની બ્લેક ઇનકમ સ્વીકારી લીધી છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ(સીબીડીટી) આવકવેરા વિભાગના નિર્ણયો લેતી ઉચ્ચ સંસ્થા છે. સીબીડીટીએ દાવો કર્યો છે કે આ જૂથ આફ્રિકાના દેશોમાંથી કીંમતી પથ્થરો આયાત કરી જયપુરમાં તેના પર પ્રોસેસ કરવામાં આવતી હતી.

સીબીડીટીએ આરોપ મૂકયો છે કે આ કીંમતી પથ્થરોનો અમુક ભાગ રોકડમાં વેચી દેવામાં આવતો હતો. જેના દ્વારા કાળા નાણાનું સર્જન થતું હતું અને ચોપડે તેની કોઇ નોંધ કરવામાં આવતી ન હતી.

આ કાળા નાણાંનો ઉપયોગ રોકડમાં લોન આપવા માટે કરવામાં આવતો હતો. આ માટે એક ફાઇનાન્સિયલ બ્રોકરની નિમણૂક કરવામાં આવી હતી. રોકડમાં લોેન આપવી અને તેના પર ઉંચા દરે વ્યાજ વસૂલ કરવાના દસ્તાવેજો આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે.

(9:46 am IST)