Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સાઉદી અરેબિયા ઓમિક્રોનની એન્ટ્રી, પ્રથમ કેસ સામે આવ્યો

કોરોનાના નવા વેરિયન્ટનો સમગ્ર વિશ્વમાં હાહાકાર :ઓમિક્રોન ૧૪ કરતા પણ વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે

રિયાધ, તા.૧ : કોરોનાના નવા ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની સાઉદી અરેબિયામાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. સાઉદી અરેબિયાએ બુધવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના નવા વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સાઉદી અરેબિયાની સરકારી ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે આ પ્રથમ કેસ ઉત્તરી આફ્રિકી દેશથી આવેલા નાગરિકમાં નોંધાયો છે.  રિપોર્ટ પ્રમાણે સંક્રમિત આવી છે તે વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ગલ્ફ દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો આ પ્રથમ કેસ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં ૧૪ કરતા પણ વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે.  કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. તે દક્ષિણ આફ્રિકા, યુરોપીય દેશો, બ્રિટન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત ૧૪ કરતા પણ વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમ ખાતે પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ નોંધાયા છે. તેવામાં આ મુસાફરોને લઈ વધારાની સાવધાની વર્તવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા એટ રિસ્ક દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં યુરોપીય દેશો, બ્રિટન, આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવનારા નાગરિકોનો દર બીજા, ચોથા અને સાતમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ નાગરિક પોઝિટિવ આવશે તો તેને હોસ્પિટલ મોકલવામાં આવશે. જ્યારે નેગેટિવ આવનારાઓએ ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

(12:00 am IST)