Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સેન્સેક્સમાં ૬૧૯, નિફ્ટીમાં ૧૮૩ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં ફરી એક વખત તેજીનો માહોલ : ઇન્ડસઇન્ડ, એક્સિસ બેન્ક ટ્રેડિંગમાં ટોપ પરફોર્મર, ઓમિક્રોનના ડરથી આંચકા બાદ બજારમાં સુધારો જોવાયો

મુંબઈ, તા.૧ : મંગળવારની જેમ બુધવારે પણ શેરબજારની શરૂઆત સારી રહી હતી. બીએસઈનો મુખ્ય સૂચકાંક ૫૭,૩૬૫ પોઈન્ટ્સ પર ખૂલ્યા બાદ ઝડપથી આગળ વધ્યો હતો અને બજાર બંધ સમયે ૬૧૯ પોઈન્ટની ઉપર બંધ થયો હતો. તેનો અગાઉનો બંધ ૫૭,૦૬૪ પોઈન્ટ હતો જ્યારે આજે ૫૭,૬૮૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેક્ન, એક્સિસ બેક્ન ટ્રેડિંગ દરમિયાન ટોપ પરફોર્મર હતા. તે જ સમયે, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૭,૧૦૪ પોઇન્ટ પર ખુલ્યા બાદ બજાર ૧૮૩ પોઇન્ટના ઉછાળા સાથે ૧૭૧૬૬ પોઇન્ટ પર બંધ થયું હતું.

મંગળવારે, બીએસઈનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ એક સમયે ૯૦૦ પોઈન્ટ ચઢ્યો હતો, પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં તમામ લાભો ગુમાવી દીધા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧૯૫.૭૧ પોઈન્ટ એટલે કે ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૫૭,૦૬૪.૮૭ પર બંધ થયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી પણ ૭૦.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૧ ટકા ઘટીને ૧૭,૦૦૦ના સ્તરની નીચે ૧૬,૯૮૩.૨૦ પર બંધ થયો હતો.

આ અઠવાડિયે સ્થાનિક શેરબજારોની શરૂઆત સારી રહી હતી અને સોમવારે બંને સૂચકાંકો – બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી - તેજી સાથે બંધ થયા હતા. ઈન્ડેક્સમાં મજબૂત હિસ્સો ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેક્નો અને આઈટી કંપનીઓએ બજારને જોરદાર ટેકો આપ્યો હતો. જોકે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન કેટલાક વધુ દેશોમાં ફેલાઈ ગયા બાદ રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ઘણા દેશોમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યા પછી, વિશ્વના ઘણા દેશો ફરી મુસાફરી પ્રતિબંધો લાદી રહ્યા છે. જો કે, ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનનો કોઈ કેસ જોવા મળ્યો નથી.

ગયા સપ્તાહે શુક્રવારે શેરબજારમાં મોટા ઘટાડા બાદ સોમવારે થોડી સ્થિરતા જોવા મળી હતી. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૫૩.૪૩ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકાના વધારા સાથે ૫૭,૨૬૦.૫૮ ના સ્તર પર બંધ થયો હતો. નબળા વૈશ્વિક વલણને કારણે શરૂઆતના વેપારમાં ઇન્ડેક્સ ૫૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૭.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૬ ટકાના ઉછાળા સાથે ૧૭,૦૫૩.૯૫ પર બંધ થયો હતો. કારોબારમાં વધારા સાથે તેમાં ૩૦૦થી વધુ પોઈન્ટની તેજી આવી ગઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ આર્મ જિયોએ પ્રીપેડ મોબાઇલ ફોન્સ માટે ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી કંપનીના શેરમાં ૧.૨૬ ટકાનો વધારો થયો હતો.

(12:00 am IST)