Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સ્વ.અભયભાઇ અન્યથી અનોખા વ્યકિતઃ પરિવારના પ્રસંગમાં રંગે રમ્યા, સંગે ઝુમ્યા

રાજકોટ : રાજયસભાના સભ્ય સ્વ. અભયભાઇએ લગ્ન જેવા પ્રસંગો આનંદથી ઉજવેલ સગા-સંબંધીઓ, સ્નેહીઓ સૌને પ્રેમથી નિમંત્રિત કરી આવકાર્યા હતા. તેઓ પરિવારજનો અને સ્નેહીજનો સાથે રાસે પણ રમ્યા હતા. સ્વ. અભયભાઇ અને લઘુબંધુ નીતિન ભારદ્વાજ વચ્ચે જીવનભર અતૂટ સ્નેહ રહયો. ઉપરોકત તસ્વીરો તેમના પારિવારીક પ્રસંગની છે. જેમાં સ્વ. ચીમનભાઇ શુકલ, વજુભાઇ વાળા, રમેશ રૂપાપરા, પ્રવિણકાકા, ઉદય કાનગડ, ભુપત બોદર, કમલેશ મિરાણી, નરેન્દ્રભાઇ સોલંકી વિગેરે ઉપસ્થિત છેે. (ફાઇલ તસ્વીર : સંદિપ બગથરીયા)

  • અભયભાઇને શ્રધ્ધાંજલી અર્પતા દિલીપભાઇ સંઘાણી

રાજકોટ,તા. ૨: વિદ્યાર્થી કાળથી મારા મિત્ર ભાજપના વરિષ્ઠ આગેવાન રાજ્યસભાના સભ્ય એવા પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજનું દુઃખદ અવસાન થતાં શોક વ્યકત કરતા દિલીપ સંઘાણી.

આજરોજ રાજ્યસભાના સાસંદ એવા અભયભાઇ ભારદ્વાજનું અવસાન થતાં દિલીપ સંઘાણીએ ઉંડો શોક વ્યકત કરેલ તેમની સાથે વિદ્યાર્થી કાળથી કામગીરી કરેલ તેમજ વ્યવસાયે વકીલાત કરતા હોય તે પણ અનુભવ તેમની સાથે હોય જે ન પુરી શકાય તેવી ખોટ પડી છે. બ્રહ્મસમાજમાં પણ તેમના દ્વારા સમાજ ઉપયોગી કાર્ય સતત થતાં હોય, અભયભાઇ ભારદ્વાજનું નિધન થતાં તેમના પરિવારજનોને સંઘાણી દ્વારા સાંત્વના આપવામાં આવેલ.

  • અભયભાઇના અવસાનથી સમાજના વિવિધ ક્ષેત્રમાં એક ઉમદા માનવીની ખોટ પડી :કાનગડ

રાજકોટ,તા. ૨: પ્રખર ધારાશાસ્ત્રી, જનસંદ્ય-ભાજપના નેતા અને રાજયસભાના સાંસદ  અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન બદલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ સેવામાં સદા અગ્રેસર, તેજસ્વી અને તીક્ષ્ણ બુધ્ધિમતા ધરાવતા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું ખુબ દુઃખ થયું છે, ભારતના ૨૧માં લો કમિશનના સભ્ય તરીકે સ્વ. શ્રી ભારદ્વાજે દેશ માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વ. અભયભાઈ ભારદ્વાજના નિધનથી સમાજના વિવિધ ક્ષેત્રમાં એક ઉમદા માનવીની ખોટ પડી છે.

(3:29 pm IST)