Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અલવિદા અભયભાઇ... મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલીઃ કોવિડ ગાઇડલાઇન્સ અનુસાર અંતિમયાત્રા

ગુજરાત-સૌરાષ્ટ્રના કાયદાના નિષ્ણાંત અને રાજ્યસભાના સભ્ય એવા અભયભાઇ ભારદ્વાજ કોરોના સામેનો જંગ હારી ગયા બાદ આજે બપોરે વિમાન મારફત ચેન્નઇથી તેમનો મૃતદેહ અમદાવાદ અને ત્યાંથી કાર મારફત રાજકોટ લવાયા બાદ તેમના નિવાસ સ્થાને લોકદર્શનાર્થે રાખવામાં આવ્યો હતો જ્યાં તમામ વર્ગના લોકોએ તેમને હાર્દિક શ્રદ્ધાંજલી પાઠવી હતી. અજાત શત્રુ અને માયાળુ સ્વભાવ ધરાવનાર અભયભાઇ ભારદ્વાજને પુષ્પાંજલી આપવા ગાંધીનગરથી ખાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના નિવાસ સ્થાને આવ્યા હતા અને સદ્ગતના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમની સાથે તેમની કેબિનેટના સભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયેશભાઇ રાદડિયા પણ આવ્યા હતા અને તેઓએ પણ અભયભાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બપોર બાદ સદ્ગતની અંતિમયાત્રા અને અંતિમવિધી કોરોના ગાઇડલાઇન્સ અનુસાર સંપન્ન કરવામાં આવી હતી. અત્રે એ નોંધનીય છે કે, અભયભાઇ ભારદ્વાજને કોરોના થયો હતો અને તેઓએ ૩ મહિનાના લાંબા સમય સુધી રાજકોટ અને ચેન્નઇમાં સારવાર લીધી હતી પરંતુ આખરે તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને ગઇકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. અભયભાઇ ભારદ્વાજ રાજ્યસભાના પણ સભ્ય હતાં ઉપરાંત અનેકવિધ સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ સંકળાયેલા હતાં. વિશાળ મિત્ર વર્તુળ હોવાના કારણે તેમના મિત્રોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)