Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમેરિકામાં કોરોના બેફામઃ ૧ સપ્તાહમાં ૧૦,૦૦૦ના મોત

મહાસત્તા અમેરિકા કોરોના સામે ઘુંટણીએ પડી ગયુઃ મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ કુલ મૃત્યુઆંક ૧.૨૭ લાખથી વધુઃ ૧.૩૭ કરોડ લોકો સંક્રમિતઃ ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલીફોર્નિયામાં સૌથી ખરાબ સ્થિતિઃ થૈંકસગિવિંગની રજાઓ બાદ કોરોના ફરી માથુ ઉંચકશેઃ ફરી લાગુ થયા પ્રતિબંધો

નવી દિલ્હી, તા. ૨ :. અમેરિકામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા અમેરિકામાં દિવસેને દિવસે સ્થિતિ ભયાનક થતી જાય છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોનાથી ૧૦ હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના ૨.૭૦ લાખથી વધુ લોકો અહીં ભરખી ગયો છે.

અમેરિકામાં આ મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે અને અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. અમેરિકાની જોન હોપકીન્સ યુનિ. તરફથી જારી આંકડા અનુસાર અહી કોરોનાથી મરનારની સંખ્યા ૨૭૦૪૮૧ થઈ છે અને સંક્રમિતોની સંખ્યા ૧૩૭૦૯૪૫૨ થઈ છે.

અમેરિકાના ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલીફોર્નિયા પ્રાંતમાં કોરોનાએ કાળોકેર મચાવ્યો છે. એટલા ન્યુયોર્કમાં કોરોનાને કારણે ૩૪૬૬૨ લોકોના મોત થયા છે. ન્યુજર્સીમાં અત્યાર સુધીમાં ૧૭૦૮૩ લોકોના મોત થયા છે. જ્યારે કેલીફોર્નિયામાં કોરોના ૧૯૨૭૫ લોકોને ભરખી ગયો છે. જ્યારે ટેકસાસમાં આના કારણે ૨૨૧૧૪ લોકો મોતને ભેટયા છે. જ્યારે ફલોરીડામાં કોવિડ-૧૯થી ૧૮૬૭૯ લોકોના મોત થયા છે. આ સિવાય મેસાચુસેટસમાં ૧૦૭૪૮, પેંસીલ્વેનીયામાં કોરોનાથી ૧૦૫૦૪ લોકોના મોત થયા છે.

એવી આશા વ્યકત કરવામાં આવે છે કે મોર્ડના અને ફાયઝર દ્વારા વિકસીત રસીની એક ખેપ આ વર્ષના અંતમાં અમેરિકાના દરેક પ્રાંતમાં આવી જશે.

દરમિયાન હાલના દિવસોમાં ૨ લાખથી વધુ કેસો સામે આવ્યા છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકામા હાલ લોકો થૈંકસગિવિંગની રજા મનાવી રહ્યા છે અને રજાઓ મનાવી પાછા ફરી રહ્યા છે. એવામા કોરોનાનુ સંક્રમણ વધવાના ડરથી સ્વાસ્થ્ય વિભાગે આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે.

અધિકારીઓનું કહેવુ છે કે રજાઓમાં લોકો એક સાથે ભેગા થયા તેના કારણે કોરોના બેકાબુ બની શકે છે. લોસ એન્જલસ કાઉન્ટીએ પોતાના એક કરોડ લોકોને ઘરની બહાર નહી નિકળવાના આદેશો આપ્યા છે. તો સીલીકોન વેલી વચ્ચે આવેલ સાંતા કલારા કાઉન્ટીએ વ્યવસાયિક રમતો, માધ્યમિક શાળાઓ અને કોલેજો ખોલવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સિવાય કાઉન્ટીની બહાર ૧૫૦ માઈલથી વધુ અંતરની મુસાફરી કરનારાને કોરન્ટાઈનમાં રહેવા આદેશો આપ્યા છે. જો કોઈ બહારથી આવે તો તેને ૧૪ દિવસ કોરન્ટાઈનમાં રહેવુ પડશે.

થેંકસગિવિંગના પ્રસંગ પર સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ઘરોમાં રહેવા તાકીદ કરી છે પરંતુ આમ છતા રવિવારે ૧૨ લાખ લોકો એરપોર્ટમાથી પસાર થયા હતા.

(10:39 am IST)