Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

યુપીમાં ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના કરૂણમોત : રસ્તાના કિનારે ઉભેલી કાર પર રેતી ભરેલી ટ્રક પલ્ટી ગઈ

લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતા પરિવારને કાળ ભેટી ગયો : ટ્રક્નું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઈ : રેતી ભીની હોવાથી વજનથી કારમાં સવાર લોકો દટાયા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જનપદના કડધામ પોલીસ સ્ટેશનની હદના દેવીગંજ ચાર રસ્તા પર બુધવાર સવારે થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. રસ્તા કિનારે ઊભેલી કાર પર રેતીથી ભરેલી ટ્રક પલટી ગઈ. આ દુર્ઘટનામાં કારમાં સવાર 8 લોકોનાં મોત થયા છે. હજુ પણ બે લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. ગેસ કટરની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 મૃતકોમાં મહિલાઓ, બાળકો તથા પુરુષો સામેલ છે. તમામ મૃતક સ્થાનિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર ડીએમ અમિત સિંહે 8 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે.

  સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન જિલ્લા હૉસ્પિટલમાં મોત થયું છે. પોલીસ અધિકારીના જણવ્યા અનુસાર ટ્રકનું ટાયર ફાટવાના કારણે આ કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. ટ્રકમાં ભીની રેતી હતી જેના કારણે તેના વજનથી કાર સવાર બહાર આવી ન શક્યા. ડીએમે જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. પીડિત પરિવારની શક્ય તમામ મદદ કરવામાં આવશે 

મળતી જાણકારી મુજબ, કોખરજ પોલીસ સ્ટેશનની હદના શહજાદપુરથી તમામ જાનૈયા જાનમાં સામેલ થયા હતા. જાન સિરાથૂમાં તૈનાત લેખપાલના ઘરેથી આવી હતી. આ દુર્ઘટનામાં લેખપાલના પત્ની તથા દીકરાનું પણ મોત થયું છે.

(10:28 am IST)