Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં નહીં મળે મંદિરમાં પ્રવેશઃ શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ

શિરડી,તા. ૨: મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ઘાળુઓને સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે. ટ્ર્સ્ટએ આ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે, જેમાં શ્રદ્ઘાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ પહેરીને મંદિરમાં આવે.

શિરડી સાઈબાબા મંદિર ફકત મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાંથી દર્શન કરવા માટે શ્રદ્ઘાળુઓ અહીં આ મંદિરમાં આવતા હોય છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અમુક મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, આ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે. જે બાદ દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

કર્ણાટકના ગોકર્ણ સ્થિત આવેલા મહાબળેશ્વર મંદિરમાં પણ શ્રદ્ઘાળુઓ માટે પારંપરિક વસ્ત્ર પરિધાન ધારણ કરવાના નિયમો છે. અહીં પુરુષો માટે ધોતી અને મહિલાઓ માટે સલવાર સૂટ અને સાડી પહેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શર્ટ, પેન્ટ, ટોપી અને કોટ પહેરીને અંદર જવાની મંજૂરી નથી.

ઉજ્જૈનના પ્રસિદ્ઘ મહાકાલેશ્વર મંદિરમાં મહિલાઓ શ્રદ્ઘાળુઓ માટે ડ્રેસ કોડ સાડી છે. અને પુરૂષો માટે ધોતી છે.આ પરિધાન પહેર્યા બાદ તેમને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આ નિયમો સામાન્ય લોકોની સાથે સાથે સાધુસંતો માટે પણ એટલા જ લાગૂ પડે છે.

આ ઉપરાંત સબરીમલા મંદિર, રામેશ્વર, કેરલનું પદ્મનાભસ્વામી મંદિર, ગુજરાતનું સોમનાથ મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પણ આ પ્રકારની હવે ચર્ચાઓ ચાલી રહી છે.

(9:39 am IST)