Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને ઘુસણખોર તરીકે ગણાવવાને લઇ હોબાળો થયો

અધિર રંજન પાસે માફીની ભાજપની માંગ : કોંગી પ્રમુખ સોનિયા ગાંધીને ઘુસણખોર કહેવાતા વિવાદ

નવીદિલ્હી, તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુસણખોર ગણાવવા સંબંધિત કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના નિવેદનને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ભાજપે કોઇપણ શરત વગર માફીની માંગણી કરી છે. કોંગ્રેસી નેતાએ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે લોકસભામાં કહ્યું હતું કે, ચૌધરીનું નિવેદન ખુબ જ બિનજવાબદારીપૂર્વકનું અને નિંદનીય છે. આ ગાળા દરમિયાન ભાજપ તરફથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી મૂળની તરફ ઇશારો કરીને તેમને ઘુસણખોરો ગણાવ્યા હતા જેને લઇને કોંગ્રેસી સભ્યોએ પણ વિરોધ કર્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ અધિર રંજન ચૌધરી પાસેથી માફીની માંગ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે.

               કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી કૂળનો મુદ્દો તેઓએ ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીને ઘુસણખોર તરીકે ગણાવવાને લઇને કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી પણ ભડકી ઉઠ્યા હતા. બાંગ્લાદેશી ઘુસણખોરને ભારતની નાગરિકતા અપાવવાના પ્રયાસ ચૌધરી કરી રહ્યા છે તેમ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું. અધિર રંજન ચૌધરી દ્વારા એનઆરસીનો વિરોધ કરીને રવિવારના દિવસે મોદી અને અમિત શાહને ઘુસણખોર તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત તમામ લોકો માટે છે. ભારત કોઇની સંપત્તિ નથી.

(7:44 pm IST)