Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૪૦,૦૦૦ કરોડના 'વહીવટ' માટે ફડણવીસને CM બનાવવાનું 'નાટક' હતું

ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેનો સનસનીખેજ ખુલાસોઃ મહારાષ્ટ્રની તિજોરીમાં કેન્દ્ર સરકારના ૪૦,૦૦૦ કરોડ જમા હતાં: ફડણવીસે CM બન્યાના ૧પ કલાકમાં પૈસા કેન્દ્રને પરત કરી દીધા

નવી દિલ્હી તા. ર : ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસને ૪૦,૦૦૦ કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવી નાટક કર્યું હતું.

 

અનંતકુમાર હેગડેએ કહયું હતું કે, તમે સૌ જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારો માણસ (ફડણવીસ) ૮૦ કલાક માટે મુખ્યમંત્રી બન્યો અને તે પછી રાજીનામુ આપી દીધું... તેમણે આ નાટક કેમ કર્યુ ? શું અમને ખબર નહોતી કે અમારી પાસે બહુમતી નથી અને છતાં પણ તેઓ સીએમ બની ગયા. આ એ સવાલ છે જે દરેક લોકો પુછે છે.

હેગડેએ કહયું હતું કે સીએમ પાસે લગભગ ૪૦,૦૦૦ કરોડની કેન્દ્રની રકમ પડી હતી. જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તામાં આવત તો તેઓ ૪૦,૦૦૦ કરોડનો દુરૂપયોગ કરત. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારના આ પૈસાને વિકાસ માટે ઉપયોગમાં ન લવાત તેથી આ ડ્રામા કરવામાં આવ્યો.

તેમણે કહયું હતું કે, ઘણા પહેલાથી ભાજપની એ યોજના હતી. તેથી એવું નકકી થયું કે એક નાટક થવું જોઇએ અને તે હેઠળ  ફડણવીસે સીએમ પદના શપથ લીધા. શપથ લીધાના ૧પ કલાકમાં ફડણવીસે તમામ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાએ જગ્યાએ પહોંચાડી દીધા જયાંથી તે આવ્યા હતાં. આ રીતે ફડણવીસે બધા પૈસા ફરી કેન્દ્રને આપી બચાવી લીધા.

અત્રે એ નોંધનીય છે કે ફડણવીસ અને અજિત પવારે ફલોર ટેસ્ટ પહેલા જ રાજીનામા આપી દીધા હતાં.

શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતાં.

(10:49 am IST)