Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઇપીએફઓ ગુંચ : વધુ પેન્શન ઉપર સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે

૮૦ લાખ કર્મચારીઓ છુટછાટવાળી કંપનીમાં: છુટછાટવાળી કંપનીઓના કર્મચારીઓને વધેલી પેન્શન મળશે કે કેમ તેને લઇને તર્ક વિતર્કનો દોર હવે શરૂ થયો

નવી દિલ્હી,તા. ૨: એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના યુ ટર્ન બાદ છુટછાટ ધરાવતી કંપનીઓના કર્મચારીઓનવે વધેલી પેન્શન મળશે કે કેમ તેને લઇને હવે પ્રશ્ન ઉભા થઇ ગયા છે. જે કંપનીઓના કર્મચારીઓના ફંડ પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા મેનેજ કરવામાં આવે છે તેમને છુટછાટવાળી કંપની તરીકે ગણવામાં આવે છે. સાથે સાથે જે કંપનીઓના ફંડને ઇપીએફઓ મેનેજ કરે છે તેને વિના છુટછાટવાળી કંપની તરીકે ગણવામાં આવે છે. આશરે ૮૦ લાખ કર્મચારીઓ છુટછાટવાળી કંપનીઓની હદમાં આવે છે. આ વિવાદને ઉકેલી દેવા માટે ઇપીએફઓ દ્વારા સુપ્રીમ કોર્ટને ફેંસલો આપવા માટે કહ્યુ છે. ૧૨ નિવૃત કર્મચારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વધેલી પેન્શનની માંગ કરી હતી. સાથે સાથે કેસ જીતી ગયા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇપીએફઓ  દ્વારા આ બાબત પર સહમતી દર્શાવવામાં આવી હતી કે એમ્પ્લોયી પેન્શન સ્કીમના સભ્યોને પૂર્ણ વેતન પર પેન્શન આપવામાં આવશે.અલબત્ત ઇપીએફઓ દ્વારા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે  તે તમામ પ્રકારની કંપનીઓ રહેશે કે પછી માત્ર છુટછાટ વગરની કંપનીઓ રહેશે. મોડેથી ઇપીએફઓ દ્વારા વગર છુટછાટવાળી કંપનીઓના  કર્મચારીઓને જ આ તક અને સુવિધા આપવાની વાત કરી હતી. જેના પરિણામસ્વરૂપ કેટલીક દુવિધા ઉભી થઇ હતી. આના કારણે છુટછાટવાળી કંપનીઓ અને તેમના કર્મચારીઓમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. વિવાદ થયા બાદ ઇપીએફઓ દ્વારા સુપ્રીમ કોર્ટ પર નિર્ણય છોડી દેવામાં આવ્યો હતો. પ્રાઇવેટ પીએફ કંપનીઓ કર્મચારીઓ માટે પોતે એક છત્ર તરીકે કામ કરે છે. ઇપીએફઓ દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટના આદેશને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.પેન્શનને લઇને કર્મચારીઓ લડાયક મુડમાં દેકાઇ રહ્યા છે. 

 

(7:35 pm IST)