Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાજ્યની જનતાએ હવે સત્તા પરિવર્તનનું મન બનાવી લીધું

કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા નેતા શીલા દિક્ષીતનો હુંકારઃ નોટબંધી- જીએસટી, મોંઘવારીને લઇ મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો : ભાજપના કુશાસનથી પ્રજા ત્રાહિમામ

અમદાવાદ,તા.૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ જાણે પોતાની હાર ભાળી ગઇ હોય એમ ભાજપની છાવણીમાં ગભરાહટ અને હતાશા છવાઇ ગયા છે. કોંગ્રેસ તરફથી લોકજુવાળ જોઇને ભાજપ ગભરાઇ ગઇ છે તેનું કારણ એ છે કે, છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપે પ્રજાને કરેલા વાયદા પાળ્યા નથી અને તેમને છેતર્યા છે. લોકકલ્યાણના કોઇ કાર્યો કર્યા નથી, જેને પગલે ગુજરાતની પ્રજા ભાજપના કુશાસનથી ત્રાહિમામ્ પોકારી ગઇ છે. ગુજરાતની જનતાએ હવે સત્તા પરિવર્તનનું મન બનાવી લીધું છે અને આ વખતે પ્રજા કોંગ્રેસની તેમની પોતાની સરકાર લાવશે એમ અત્રે કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે અમદાવાદની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.

   કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નેતા શીલા દિક્ષિતે નોટબંધી, જીએસટી અને મોંઘવારીને લઇને પણ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોએ લોકોને બરબાદ કરી નાંખ્યા. જીએસટીની આંટીઘૂંટી ખુદ સરકારને સમજાતી નથી. મેટ્રો રેલના મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરતાં હતા પરંતુ હજુ મેટ્રો રેલના કોઇ ઠેકાણાં નથી. દિલ્હીમાં તો, મેટ્રો રેલ શરૂ પણ થઇ ગઇ. ભાજપ અને મોદી સરકાર બસ માત્ર વાતો કરે છે અને લોકોને લોભામણા વચનો-વાયદા આપે છે પરંતુ તેની પરિપૂર્તતા કયારેય કરતી નથી અને તે કારણે આજે લોકોનો વિશ્વાસ ભાજપ પરથી ઉઠી ગયો છે.

   શીલા દીક્ષિતે એ મુદ્દે પણ ભાજપ પર નિશાન સાધ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમ્યાન અનેક લોક સમસ્યાઓ અને પ્રજાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, જે અંગે ભાજપ કે તેના નેતાઓ કોઇ જ સંતોષકારક ખુલાસો કે જવાબ આપી શકતા નથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે, હવે ગુજરાતમાં બદલાવ આવશે. ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે, બટાકા, ડુંગળી જેવા શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં અમારી સરકારે લોકોને ઘેર-ઘેર જઇ ટ્રકો મારફતે રાહત ભાવે ડુંગળી અને શાકભાજી પહોંચાડયા હતા. શું ગુજરાતમાં ભાજપ સરકારે આવા કોઇ રચનાત્મક કાર્યો કર્યા છે? ગુજરાતમાં કોઇ વસ્તુના ભાવો ઘટયા હોય તો બતાવો. કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં જે કહેશે તે કરી બતાવશે કારણ કે, કોંગ્રેસ વાયદાના પાલનમાં માનનારી પાર્ટી છે. કોંગ્રેસ તરફથી લોકજુવાળ જોઇ ભાજપ ગભરાઇ ગઇ છે અને તેથી જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ-ચાર દિવસે ગુજરાત આવી રહ્યા છે પરંતુ તેનાથી કોઇ ફેર નહી પડે. ગુજરાતની જનતાએ આ વખતે સત્તા પરિવર્તન કરી કોંગ્રેસની પોતાની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાલમાં આક્રમક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયેલા છે. નોટંબંધી મુખ્ય મુદ્દો કોંગ્રેસે હાલમાં બનાવ્યો છે.

 

 

(7:32 pm IST)