Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૨૧મી સદીની મધ્યમાં ભારત ચીન કરતા આગળ નીકળી જશે અને ભારતની વૃધ્ધિ વધારે આકર્ષક હશેઃ મુકેશ અંબાણી

ચીને જે ઉત્પાદન ક્ષેત્રે કર્યું તે ભારત સુપર ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કરશેઃ ભારત પાસે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે

જામનગર તા. ૨ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મૂકેશ અંબાણીએ ભારતની આર્થિક પ્રગતિ અંગે જણાવ્યું હતું કે ૨૧મી સદીની મધ્ય સુધીમાં આર્થિક વૃધ્ધિની રીતે ભારત ચીન કરતાં આગળ વધી જશે અને ભારતની વૃધ્ધિ ચીન કરતાં વધારે આકર્ષક હશે. ત્રણસો વર્ષના પશ્ચિમી દેશોના પ્રભુત્વ બાદ વિશ્વની આર્થિક ધરી ફરીથી ભારત અને ચીન તરફ પાછી ફરશે, તેમ જણાવતાં શ્રી અંબાણીએ ઉમેર્યું હતું કે ચીને જે ઉત્પાદનના ક્ષેત્રમાં કર્યું છે તે ભારત સુપર ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કરશે અને ભારત પાસે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા નવી દિલ્હી ખાતે ડિસેમ્બર ૧, ૨૦૧૭ના રોજ આયોજિત લીડરશીપ સમિટમાં ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના વકતવ્ય પછી તરત જ પોતાનું વકતવ્ય આપતાં શ્રી મૂકેશ અંબાણીએ પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા.

શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ૧૩ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર ૫૦૦ બિલિયન અમેરિકન ડોલર હતું અને મેં ૨૦૦૪માં કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર વીસ વર્ષમાં ૫ ટ્રિલિયન અમેરિકન ડોલર થશે. આજે તે ચોક્કસ જણાઈ રહ્યું છે અને ખરેખર તો આ લક્ષ્યાંક ૨૦૨૪ પહેલાં જ પ્રાપ્ત થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે આજે ભારતનો જી.ડી.પી. ૨.૫ ટ્રિલિયન અમેરિકન ડોલર છે અને વિશ્વમાં તેનું સ્થાન છઠ્ઠા નંબરનું છે. તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો કે ભારતના જી.ડી.પી.નું કદ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલિયન અમેરિકન ડોલરનો થઈ જશે. આપણે નવા અને ઊભરતા ભારતને જો રહ્યા છીએ અને હું માનું છું કે આગામી ત્રણ દાયકા ભારતનું ભાવિ નક્કી કરનારો સમય હશે, એમ તેમણે કહ્યું હતું. શ્રી અંબાણીએ ઉમેર્યું હતું કે ૨૦૪૭માં ભારત સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણી કરશે અને આ જ સમયની આસપાસ ચીન પણ પ્રજાકીય ગણતંત્રની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરશે.

શ્રી અંબાણીએ જણાવ્યું હતું કે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં ભૌતિક પ્રવૃત્ત્િ।ઓના યાંત્રિકરણ માટે કોલસા અને વરાળનો ઉપયોગ થયો અને આર્થિક સત્ત્।ાની ધરી ભારત અને ચીન તરફથી યુરોપમાં ખસી. બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં મોટાપાયે ઉત્પાદન અને વિતરણને યાંત્રિક બનાવવા માટે વિજળી અને ઓઇલનો ઉપયોગ થયો અને આર્થિક સત્તા યુરોપથી અમેરિકા તરફ સ્થળાંતર પામી. લગભગ ૧૯૭૦માં શરૂ થયેલી ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં ઉત્પાદકતા વધારવા, સ્વચાલન અને વધારે કસ્ટમાઇઝેશન માટે ઇલેકટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થો અને તેનો સૌથી વધારે લાભ અમેરિકા અને તે પછી જાપાનને થયો. વિકાસશીલ દેશોમાં ચીનને તેનો ફાયદો થયો અને તે વિશ્વના ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું.

પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત અને ચીન બહાર રહ્યા. ભારત કમ્પ્યુટર-ચાલિત ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં દોડમાં જોડાયું. હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે, જેનો પાયો કનેકિટવિટી, કમ્પ્યુટીંગ, ડેટા અને આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ છે. તે ભૌતિક, ડિજીટલ અને જૈવિક વિશ્વોની ટેકનોલોજી પર આધારીત છે. માનવ સંસ્કૃતિએ જેટલું ૩૦૦ વર્ષમાં હાંસલ નથી કર્યું તેટલું સાથે મળીને ૩૦ વર્ષમાં હાંસલ કરી શકે છે.

દ્યાતાંકીય ટેકનોલોજી અને પ્રક્રિયાઓ દ્યણી ધીમી શરૂ થાય છે...પરંતુ બહુ જ ઝડપથી નાટકીય પરિવર્તન લાવે છે. વિચારો...મોબાઇલ ટેકનોલોજી, ઇન્ટરનેટ, ઇકોમર્સ, સોશ્યલ નેટવર્કસ, વર્ચ્યુઅલ મદદ, સ્વ-ચાલિત કાર વગેરે કેટલાંક વર્ષો અગાઉ માત્ર સાયન્સ ફિકશન હતું પરંતુ હવે તે વિજ્ઞાનની હકીકત બની ગઈ છે.

નવા યુગની વધુ એક લાક્ષણિકતા એ હશે કે તેમાં આપણે અભાવગ્રસ્તતામાંથી વિપુલતા તરફ આગળ વધીશું. ડિજીટલ યુગમાં જયારે તમે ડેટા કનેકિટવિટી, કમ્પ્યુટીંગ, સોફટવેર, ઇન્ફોર્મેશન અને ઇન્ટેલિજન્સની તાકતનો સરવાળો કરો તો દરેક વસ્તુની કિંમત/પ્રદર્શનમાં ધરમૂળથી ફેરફાર થશે.

આપણે પુનઃપ્રાપ્ય ઊર્જા, લાઇફ-સાયન્સ, રોબોટીકસ, ૩ડી પ્રિન્ટિંગ અને મશીન ઇન્ટેલિજન્સમાં જે હરણફાળ ભરી રહ્યા છીએ તે જોતાં આપણે સાચા અર્થમાં ભવિષ્યની વિપુલતાની શકયતાઓ તરફ દૃષ્ટિ કરી રહ્યા છીએ...વિપુલ ઊર્જા...વિપુલ આરોગ્ય...વિપુલ જ્ઞાન...વિપુલ ખેત ઉત્પાદન...વિપુલ ઉત્પાદન ક્ષમતા...વિપુલ પુનઃપ્રાપ્ય મટીરીયલ.

ત્રીજું લક્ષણ એ છે કે તેમાં ગુડ્સ એન્ડ સર્વિસીસમાંથી ઇન્ટેલિજેન્ટ સર્વિસીસ આધારીત અર્થતંત્રમાં ગતિ થશે. આગમી વર્ષોમાં મશીન ઇન્ટેલિજન્સ બાયોલોજીકલ ઇન્ટેલિજન્સમાં વધારો કરીને તેને અનેક ગણું બનાવશે. આપણે સુપર ઇન્ટેલિજન્સના યુગમાં છીએ. ચીન માટે જે ઉત્પાદનનો યુગ હતો, તે ભારત માટે સુપર ઇન્ટેલિજન્સનો યુગ બનશે.

આપણી પાસે માત્ર આપણા અર્થતંત્રને ઝડપથી વધારવાની જ નહીં પરંતુ બાકીના વિશ્વને પણ ઇન્ટેલિજન્સ સેવાઓ આપવાની તક છે.

ટેકનોલોજી શ્રેષ્ઠ સમાનતા તક પૂરી પાડે છે. મારી દ્રઢ માન્યતા છે કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભાગ લેશે એટલું જ નહીં પરંતુ તેની પાસે નેતૃત્વ પુરું પાડવાની પણ તક છે.

મારી દ્રઢ માન્યતા પાછળ ત્રણ કારણો છે. એક...ભારત યુવાન દેશ છે, જેની ૬૩ ટકા વસ્તી ૩૫ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવે છે. આપણાં યુવાનો ઝડપથી ટેકનોલોજી અપનાવી લે છે, તેમનામાં કૌશલ્ય છે, વિચારો છે અને સાહસિકતા છે. તેમનામાં મોટા સપનાં જોવાની હિંમત છે અને તેને સાકાર કરવાની ક્ષમતા પણ છે. તેઓ ભારતને વિશ્વમાં પ્રથમ નંબરનું સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બનાવશે તે અંગે મને કોઇ જ શંકા નથી.

બીજું...ભારતમાં ઐતિહાસિક રીતે જ માળખાકીય સુવિધાનો અભાવ છે તે હકીકતમાં વરદાન છે. ટેકનોલોજીનો વારસો નહીં મળવાનો અર્થ એ છે કે આપણે ટેકનોલોજીનાં અનેક ક્રમિક સંસ્કરણોને ઉવેખીને સીધી અને નવી પેઢીની ટેકનોલોજી અપનાવી શકીએ છીએ.

ત્રીજું...સૌથી મહત્વપૂર્ણ...ભારતને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી બનાવવા આપણી પાસે રાજકીય દૂરંદેશી, નેતૃત્વ, પ્રતિબધ્ધતા અને ક્ષમતા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણાં વડાપ્રધાનનાં ડિજીટલ ઇન્ડિયાનું વિઝનથી ભારતને ટેકનોલોજીમાં અગ્રણી બનાવવા માટે તમામ રાજકીય પક્ષોમાં સમાનતા આવી છે. સાથે મળીને આ ત્રણેય પરીબળોથી ભારત યોગ્ય રીતે નવા યુગમાં અગ્રણી બનશે.

આધારનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે ૧.૨ અબજ લોકોના જોડાણ સાથે આધાર વિશ્વનું સૌથી મોટી અને સૌથી સોફિસ્ટીકેટેડ બાયોમેટ્રીક સિસ્ટમ બની છે. ટૂંકમાં ડેટા નવું ઓઇલ છે. ડેટા નવી સોઇલ (ધરતી) પણ છે. જિયોની અગ્રણી ભૂમિકા સાથે ભારતમાં ૫૮,૦૦૦ કોલેજો, ૭૦૦ કરતાં વધારે યુનિવર્સિટીઓ અને ૧૯ લાખ શાળાઓ ડિજીટલી જોડાઈ જશે. શિક્ષણ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે વૃધ્ધિની અનેક તકો રહેલી છે.

ભારતના ઉદયમાં ભાગીદાર બનવાનો રિલાયન્સને ગર્વ છે તેવો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું કે નવા ભારતને સેવા પૂરી પાડવા રિલાયન્સના વૈશ્વિક કક્ષાના ઊર્જા, ઇન્ફોર્મેશન અને ડિજીટલ સેવાઓના વ્યવસાયોના નિર્માણમાં હું ભાગીદાર બન્યો છું, અને તે રીતે હું નસીબદાર છું. પાંચ વર્ષ પહેલાં, જયારે મોટાભાગના ભારતીય વ્યવસાયો ભારતની બહાર રોકાણ કરતા હતા, અમે ભારતમાં ૬૦ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવાનું નક્કી કર્યું.

અમે આ રોકાણ ચક્ર લગભગ પૂર્ણ કરી દીધું છે અને નવા રોકાણ ચક્રમાં નવા પ્રતિબદ્ઘતા માટે તૈયાર છીએ. અમે અમારું રોકાણ એવી દ્રઢ માન્યતાને કારણે કરી રહ્યા છીએ કે વિશ્વમાં રોકાણની સૌથી મોટી તક ભારતમાં છે.

શ્રી અંબાણીએ તેમ પણ જણાવ્યું કે ૩૦ વર્ષ પછી ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે. આ ત્રીસ વર્ષમાં આપણે આજના ૨.૫ ટ્રિલિયન અર્થતંત્રથી વૃધ્ધિ પામીને ૨૧મી સદીમાં વિશ્વના સૌથી સમૃધ્ધ દેશ બનાવાનું આકાંક્ષા સેવી શકીએ અને આકાંક્ષા સેવવી જ જોઇએ. હવેથી ભારતીયોની દરેક નવી પેઢી અગાઉની પેઢી કરતાં સારું જીવન જીવશે, તેવી આગાહી કરી શકું છું.

ઇન્ટરનેટ ઓફ ઇન્ટેલિજન્સ. જે નવી પેઢીની સ્માર્ટ સેવાઓની શકિત પૂરી પાડશે. ઇન્ટરનેટ એનર્જી... સ્માર્ટ સેન્સર, સ્માર્ટ ગ્રીડ અને વિતરણથી આપણા દેશની ઊર્જા સુરક્ષા માટેનો પાયો તૈયાર કરશે અને ઇન્ટરનેટ ઓફ ટ્રસ્ટ...વચેટીયા સિવાય સોદા અને કોન્ટ્રાકટ્સનું માળખું તૈયાર કરે તેમજ ઇન્ટરનેટ ઓફ એપથી...જીવન ટકાવી રાખનારા માનવ અને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યોનું સાયુજય સાધે. આમ આપણે

સૌ સાથે મળીને ભારતના ઉદયને વાસ્તવિકતા બનાવવા કામ કરીએ અને તે ચક્ર પાછું ન ફરે તેવું બનાવીએ અને તે અટકે નહીં તેવું પણ બનાવીએ; તેમ તેમણે આહ્વાન કર્યું હતું.

(4:16 pm IST)