Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ટ્રિપલ તલાક સામે આવો કડક કાયદો લાવવાની તૈયારીમાં છે મોદી સરકાર

મુસ્લિમ મહિલાઓને રાહતઃ પીડિતોને મળશે ન્યાયઃ ટ્રિપલ તલાક બનશે ગેરકાયદેસર

નવી દિલ્હી તા. ૨ :  મુસ્લિમ મહિલાને ન્યાય અપાવવા તેમજ સલામતી માટે મોદી સરકારની અડગ પ્રતિબદ્ઘતાના ઉદાહરણ તરીકે સંસદના શિયાળું સત્રમાં મુસ્લિમ મહિલાઓને ઈન્સ્ટન્ટ તલાક કે ટ્રિપલ તલાક આપનાર મુસ્લિમ પતિને ૩ વર્ષની કેદ અને દંડ માટે કાયદો બનાવી શકે છે. નોંધનીય છે કે આ આ નવા કાયદા હેઠળ ટ્રિપલ તલાક બીનજામીનપાત્ર ગુનો બની જશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિપલ તલાક કે તલાક-એ-બિદ્દતને ગેરબંધારણીય જાહેર કરતા, સુપ્રીમના આ હુકમને કાયદાનું પીઠબળ પુરું પાડવા માટે સરકાર આ કાયદો બનાવવા જઈ રહી છે, જે અંગેનો ડ્રાફટ તમામ રાજયોને સલાહ-સૂચનો મેળવવા માટે મોકલી દેવાયો છે. કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાકના પીડિતોને ન્યાય અપાવવા માટે કડક કાયદો લાવવા જઈ રહી છે. આ ખરડામાં પત્નીને સગીર બાળકની કસ્ટડી મેળવવા, પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે પોલીસ ફરિયાદ કરવાની જોગવાઈ કરાશે.

સરકારી સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રીપલ તલાક પર ઓગસ્ટ માસમાં જ રોક લગાવી દેવાઈ હોવા છતા કેન્દ્ર સરકારને ૬૭ મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકનો ભોગ બની હોવાની ફરિયાદ મળી છે. લગ્ન અને છૂટાછેડા એ બંધારણની સંયુકત યાદીમાં સમાવિષ્ટ નથી. તેથી આ કાયદા અંગે રાજયોની સંમતિ લેવાનો પ્રશ્ન ઉભો નહીં થાય. જો કે સરકાર દ્વારા રાજયોના સલાહ સૂચન લેવા માટે તર્ક આપતા કહેવાયું હતું કે, તેઓ તમામ હિતધારકોનો મત જાણવા માગે છે.

સૂત્રો દ્વારા જાણકારી અપાઈ હતી કે, 'આ ખરડાને શિયાળા સત્રમાં સંસદમાં લાવવામાં આવશે. આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડશે નહીં. આ કાયદો દરેક પ્રકારના ટ્રિપલ તલાકને ગેરકાયદેસર બનાવશે. ભલે તે મૌખિક, લેખિત કે ઈલેકટ્રોનિક સ્વરુપે હોય.' ગયા મહિને યાસ્મિન ખાલિદ નામની એક સ્ત્રીએ ફરિયાદ કરી હતી કે તેના પતિ ખાલિદ બિન યુસુફ ખાન જેઓ AMUમાં પ્રોફેસર છે તેમણે તેને વોટ્સએપ પર તલાક આપી દીધો હતો. ત્યારબાદ તેના પતિએ ટેક્ષ્ટ મેસેજ દ્વારા પણ કર્યા હતા. યાસ્મિને જો ન્યાય ન મળે તો પોતે બાળકો સાથે આત્મહત્યા કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

SCના ચુકાદા પહેલા કેન્દ્ર સરકારને મુસ્લિમ મહિલાઓ મારફતે કરાયેલી ૧૭૭ ફરિયાદો મળી હતી. જેમાં તેમણે કાયદાની ગેરહાજરીના પ્રશ્નને ઉઠાવ્યો હતો અને આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવાની માગણી પણ કરી હતી. આ પીડિત મહિલાઓએ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની ફરિયાદ સંભળાવતા કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ પોલીસે ઘરેલુ હિંસાનો ગુનો નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. તેથી આ કુપ્રથા હજુ સુધી ચાલુ જ છે.'

સૂત્રોના જણાવ્યાનુસાર, 'PM મોદીએ ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓને સામાજિક સુરક્ષા અને સલામતી મળે ધારાકીય કાર્યવાહી કરવાની સૂચના અને નિર્દેશ આપી દેવાયા છે.' આ ખરડાને ગૃહમંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ રચાયેલા મંત્રીઓના સમૂહે આખરી સ્વરુપ આપ્યો હતો. આ સમૂહમાં અરુણ જેટલી, ફોરેને મિનિસ્ટર સુષમા સ્વરાજ, કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ અને MoS ફોર લો પી પી ચૌધરીનો સમાવેશ કરાયો હતો.(૨૧.૨૪)

 

(4:06 pm IST)