Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


સેમસંગે બનાવી જોરદાર બેટરીઃ ૧૨ મિનિટમાં થશે ચાર્જ

નવી દિલ્હી તા.૨ : સાઉથ કોરિયાની સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે એક એવી બેટરી બનાવી છે જે તમારા સ્માર્ટફોનને માત્ર ૧૨ મિનિટમાં જ ફૂલ ચાર્જ કરી દેશે. એકવાર ચાર્જ થયા બાદ આ બેટરી લાંબા સમય ચાલશે. ખાસ વાત એ છે કે આ બેટરીનો ઉપયોગ ઈલેકટ્રીક વ્હિકલમાં પણ કરી શકાય છે.

સેમસંગે જણાવ્યું કે, 'સેમસંગ એડવાન્સ્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના રિસર્ચર્સે એક નવું બેટરી મટીરિયલ 'ગ્રેફીન બોલ' ડેવલપ કર્યુ છે. કંપનીનો દાવો છે કે ગ્રેફીન બોલ ટેકનીકથી બનેલી આ બેટરી સાધારણ લિથિયમ બેટરીની સરખામણીમાં પાંચ ગણી ઝડપથી ચાર્જ થાય છે. આ મટીરિયલ બેટરીની ક્ષમતાને પણ ૪૫ ટકા સુધી વધારી દે છે.

સેમસંગે કહ્યું કે, 'ગ્રેફીન બોલ પર બનેલી બેટરી માત્ર ૧૨ મિનિટમાં જ સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય છે. આ સાથે જ બેટરી ૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાન પર પણ કામ કરી શકે છે જે તેને ઈલેકિટ્રક વ્હિકલને પણ અનુકૂળ બનાવે છે.'

કંપનીએ જણાવ્યું હતું કે, 'ગ્રેફીન કોપર કંડકશનની સરખામણીમાં ૧૦૦ ટકા સુધી સારું હોય છે, સાથે તે ફાસ્ટ ચાર્જિંગ માટે આઈડિયલ મટીરિયલ છે.' જો કે સેમસંગે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યુ કે આ બેટરી બજારમાં કયારથી ઉપલબ્ધ હશે, પરંતુ આશા છે કે સેમસંગ પોતાના આવનારા સ્માર્ટફોનમાં આ ફાસ્ટ ચાર્જિંગ બેટરી લઈને આવશે

(4:18 pm IST)