Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૧૪૦ કિ.મી.ની ઝડપે આગળ વધતું વાવાઝોડું : આજે લક્ષદ્વીપ પહોંચશે

તામિલનાડુ અને કેરળમાં ભારેખમ વરસાદ ચાલુઃ ચાર માછીમારો અને ૧૩ બોટ લાપતા : ૮૦થી વધુ માછીમારોનો કોઈ પતો નથીઃ વડાપ્રધાન મોદીએ ફોન પર માહિતી મેળવી : તમામ સંભવિત મદદ કરવા બન્ને રાજયોને ખાતરી

નવી દિલ્હી : શ્રીલંકા તરફ ૧૪૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડુ ''ઓખી''  આગળ વધી રહ્યુ છે. આ વાવાઝોડુ આજે લક્ષદ્વીપ પહોંચશે. ''ઓખી''ની અસરથી તામિલનાડુ અને કેરળમાં ભારેખમ વરસાદ પડી રહ્યો છે. જેમ - જેમ આ વાવાઝોડુ નજીક આવતુ જશે તેમ કેરળના દરિયાપટ્ટીના વિસ્તારોમાં ભીષણરૂપ સ્વરૂપ ધારણ કરશે.

તામિલનાડુમાં તોફાની પવન ફૂંકાશે. તામિલનાડુમાં ચાર માછીમારો અને ૧૩ બોટ લાપતા છે. ૮૦થી વધુ માછીમારો પરત આવ્યા નથી અને તેની કોઈ ભાળ મળી નથી.

રાહત અને બચાવની કામગીરી માટે નેવીના ૭ અને કોસ્ટગાર્ડના ૨ જહાજ તૈનાત કરી દેવામાં આવ્યા છે. નૌસેનાના નિરીક્ષક, જમુના, સાગરધ્વનિ, કોળરા, કલ્પેની, શાર્દુલ અને શારદા તૈનાત છે.

દક્ષિણી તમિળનાડુ અને કેરળના દરિયા કાઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જારી રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. પ્રચંડ વાવાઝોડુ ઓખી હાલમાં લક્ષ્યદ્ધિપથી ૮૦ કિલોમીટર ઉત્તરપૂર્વે સ્થિત છે.બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિળનાડુના મુખ્યપ્રધાન પલાનીસામી સાથે ફોન પર વાત કરી છે. મોદીએ બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે. તમિળનાડુ અને કેરળમાં ભારે નુકસાન કરનાર વાવાઝોડા અને ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે મોદીએ માહિતી મેળવી હતી. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. મોતનો આંકડો વધીને ૧૩ પર પહોંચી ગયો છે. બંને રાજ્યોમાં ભારે નુકસાન થયુ છે. બંગાળના અખાતમાં ડિપ ડિપ્રેશનની સ્થિતિ ચક્રવાતી વાવાઝોડા ઓખીમાં ફેરવાઈને વધુ તીવ્ર બનતા ભારે વરસાદ થયો છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેરળના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવા માટે કોસ્ટ ગાર્ડ અને અન્ય બચાવ ટીમો સક્રિય થઇ ગઇ છે. હજુ સુધી ૬૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.  લોકોને મરીના બીચ ઉપર ન જવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કન્યાકુમારીના વિવિધ ભાગોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને પીવાના પાણીની તકલીફ ઉભી થઇ છે. કેરળ અને તમિળનાડુ બંનેમાં ભારે નુકસાન થયું છે.  દક્ષિણ કેરળના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. કન્યાકુમારીમાં ૪૦૦૦થી વધારે વિજ થાંભલા તુટી પડ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયેલા છે. ભારે વરસાદ અને ચક્રવાતી વાવાઝોડાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. બીજી બાજુ ચેન્નાઇ, કન્યાકુમારી, તુતીકોરિન, કંચીપુરમ, વિલ્લુપુરમ, મદુરાઇ,થેની, ધનજાવુર અને થુરુવરુરમાં સ્કુલ કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમિળનાડુના કન્યાકુમારીમાં પ્રચંડ ઓખી વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયુ છે. હજારોની સંખ્યામાં લોકોને માઠી અસર થઇ છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. આજે સતત ત્રીજા  દિવસે પણ બચાવ અને રાહત કામગીરી જારી રહી હતી.  સાવચેતીના પગલારૂપે સ્કુલ અને કોલજોને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે.કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ છે. વાવાઝોડા ઓખીના કારણે  જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે.  તમિળનાડુના કન્યાકુમારી જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડુ ફુંકાયુ છે. ભારે વરસાદ પણ થયો છે. મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભળા ધરાશાયી થયા છે.

 તમિળનાડુ સરકારે કહ્યુ છે કે વાવાઝોડા ઓખીના કારણે ભારે નુકસાન થયા બાદ હવે તે કેન્દ્ર સરકાર પાસેથી નાણાંકીય ફંડ મેળવવા માટે તૈયાર છે. બચાવ અને  રાહત કામગીરીમાં સેના અને એરફોર્સના જવાનોની પણ મદદ લેવામાં આવી રહી છે.

વાવાઝોડાનું હવે નામ હશે 'સાગર': ભારત નામ પાડશે

બાંગ્લાદેશે આ વાવાઝોડાનું નામ ''ઓખી'' રાખ્યુ છે જેનો અર્થ આંખ થાય છે. હવે આગામી વાવાઝોડુ આવી રહ્યુ છે તેનું નામ ભારત રાખશે. જે હશે ''સાગર''. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીથી આઠ દેશોના સંગઠન દ્વારા નામ નક્કી કરવામાં આવે છે. ભારત પણ તેનું સભ્ય છે. ભારત સહિત માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા પણ સામેલ છે

ઘરોમાં જ રહેવાની સલાહ

તામિલનાડુ અને કેરળમાં શાળા - કોલેજો બંધ છે, વિજળી પુરવઠો પણ નથીઃ લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે

 

(3:56 pm IST)