Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ભાજપને જીતાડવા - કાર્યકરોમાં જોમ ભરવા સંઘ મેદાનમાં: ડેમેજ કંટ્રોલની પણ કવાયત

કેટલાક મહત્વના લોકોને સોંપાઇ જવાબદારી

નવી દિલ્હી તા. ૨ : ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ પક્ષમાં અંદરો-અંદરનો વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. આજે તમામ ૧૮૨ બેઠકોના ઉમેદવારો ઘ્વારા પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ કાર્યકરોની ઉદાસીનતા ઉમેદવારોમાં મૂંઝવણ ઉભી કરી રહી છે. ભાજપમાં ૪૫ કરતા વધારે બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, ત્યાં કેટલીક જગ્યાએ ઉમેદવારનો વિરોધ તો કેટલીક જગ્યાએ જ્ઞાતિવાદનો તો કયાંક સ્થાનિક આમ જુદા જુદા કારણોથી પક્ષમાં અંદરો-અંદર નારાજગીનું પ્રમાણ વધી ગયું છે. આ પ્રમાણ બહાર જોવા નથી મળતું પરંતુ રાજકીય તજજ્ઞો એક શબ્દનો ઉપયોગ ચોક્કસ કરે છે અને તે છે 'ઈનર કરન્ટ'

ગુજરાતમાં ચૂંટણી કાર્યાલય પાસે જયાં જયાં થોડા કાર્યકરો દેખાય છે ત્યાં સર્વે કરવામાં આવે છે, તો આ કાર્યકરો એવું બોલતા નજરે પડે છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ ભલે હવામાં રહે પરંતુ આ વખતે પ્રજાનો ઇનર કરન્ટ કઈંક જુદો જ નીકળશે. દર વખતે વડાપ્રધાનના જાદુ ન ચાલે હવે યુવા વર્ગને ધીરે ધીરે ખબર પડી ગઈ છે કે આ જૂઠાણા ફેલાવે છે. રોજગારીની વાતો કરવામાં આવે છે પરંતુ રોજગારી તો મળતી નથી. જેમ પહેલા હિન્દુત્વના નામે છેતર્યા પછી વિકાસ વિકાસ કર્યું પરંતુ હવે આ કઈ ચાલતું નથી.

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના કાર્યાલય પાસેના આ અહેવાલથી ભાજપ મોવડીમંડળ ચોંકી ઉઠ્યું છે. અને આ નારાજગીનો શૂર આવનાર દિવસોમાં કોઈ મોટું સ્વરૂપ ન પકડે તે માટે ખુબ જ સાવચેતીપૂર્વક નારાજગી રોકવા (ડેમેજ કંટ્રોલ) પ્રયાસો હાથ ધરી દીધા છે. ભાજપ મોવડીમંડળ અત્યાર સુધી શહેરી વિસ્તારમાં તો ભાજપ જીતશે તેવા આશાવાદથી ચૂંટણીઓ લડી છે. પરંતુ આ વખતે ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારોમાં જુદા જુદા સમીકરણો ઉભા થયા છે જેના કારણે ભાજપ ચિંતામાં છે.

આ ચૂંટણીમાં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ભાજપ પક્ષ ઘ્વારા સંઘ પરિવારના કેટલાક મહત્વના લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ સંઘ પરિવારના મહત્વના નેતાઓ વ્યકિતગત રીતે નારાજ લોકોને મળી તેમની નારાજગી જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અને જયાં નાના કારણોથી નારાજગી હશે તેને તરત જ પક્ષની ભૂલ છે ફરી ધ્યાન રાખવામાં આવશે, આવનારા દિવસોમાં તમારી પક્ષમાં કદર થાય તેવી ખાત્રીઓ આપવામાં આવી રહી છે આમ કહી આ નારાજગી દુર કરવામાં સફળતા મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં આવ્યા હોય અને આયાતી ઉમેદવારો હોય ત્યાં મોટો વિરોધ વંટોળ ઉભો થયો છે આ વિરોધ રોકવામાં સંઘ પરિવારના આ નેતાઓને સફળતાં નહિ મળે તો પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ સાથે મંત્રણાઓ કરાવવાની તૈયારીઓ પણ વિચારવામાં આવી છે. આમ આ વખતની ચૂંટણી કોઈ પણ સંજોગોમાં જીતવી એ ભાજપનો મુખ્ય ધ્યેય છે.

(3:53 pm IST)