Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


હાર્દિકની સભાઓમાં ભીડ જોઇ ભાજપ ટેન્શનમાં: હવે બનાવ્યો આ પ્લાન

રાજકોટ તા. ૨ : પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિકની મહાક્રાંતિની સભાઓમાં આવતી જન મેદની જોઈને ભાજપ ચિંતાતુર થઈ ગયો છે. આ સપ્તાહમાં રાજકોટના નાના મૌવા રોડ ખાતે હાર્દિકની સભામાં સ્વયંભુ ઉમટી પડેલા લોકો અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તેમજ લેઉવા પટેલ આગેવાન નરેશ પટેલ સાથેની તેની મુલાકાતને લઇને ભાજપે કાઉન્ટર પ્લાન શરુ કરી દીધા છે.

સફાળા જાગેલા ભાજપે પાટીદારોને પોતાના પક્ષે બાંધી રાખવા માટે દિવાળીના લગભગ ૧.૫ મહિના બાદ લેઉવા પટેલ સમાજના 'દિવાળી સ્નેહ મિલન'નો કાર્યક્રમ આયોજીત કર્યો છે. જયાંથી મુખ્યમંત્રી વિજય રુપાણીએ ફોર્મ ભર્યું છે અને જનસંદ્ય સમયથી જે ભાજપનો ગઢ ગણાય છે તેવી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાતે શનિવારે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે.

સૂત્રોએ કહ્યું કે આ મિલન કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના આગેવાનો સાથે સીએમ રુપાણી હાજરી આપશે અને ભાજપ તરફ વાળવાનો પ્રયાસ કરશે. જોકે લેઉવા પટેલ સમાજમાં જે સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. જયારે ખોડલધામ ટ્રસ્ટના અન્ય સભ્યો અંગે જણાવતા ટ્રસ્ટ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, 'ટ્રસ્ટીઓને પોતાની વ્યકિતગત રાજકીય વિચારધારાઓ પણ હોય છે અને તે સંબંધે તેઓ હાજરી આપી પણ શકે છે.'

રાજકોટના નાના મૌવા મેઇન રોડ ખાતે આવેલ સત્યમ પાર્ટી પ્લોટમાં આ સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પશ્યિમ વિધાનસભાનો આ વિસ્તાર પાટીદારોનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. સ્નેહ મિલનના આયોજક દ્વારા જણાવ્યા પ્રમાણે લગભગ ૫૦૦૦ જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

(10:18 am IST)