Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ચૂંટણી પંચ પણ હવે ભાજપનો એક ભાગ બની રહ્યું છેઃ હાર્દિક પટેલ

ચૂંટણી પંચ સામે આક્ષેપઃ ટ્વીટ કરી સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૨ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગુજરાત ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ફેકટર સાબિત થઈ રહેલા હાર્દિક પટેલે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. હાર્દિકે આ આરોપ ત્યાર લગાવ્યા છે કે જયારે પરમિશન વગર ચૂંટણી સભા કરવા બદલ હાર્દિક સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી.

હાર્દિકે ટ્વીટ કરીને ચૂંટણી પંચ સામે આરોપ લગાવ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, 'રાજકોટની સભા બાદ ચૂંટણી પંચે મારી સામે એફઆઈઆર કરી છે. હવે તો ચૂંટણી પંચ પણ બીજેપીનો એક ભાગ બની રહ્યું છે. અમે સભા કરીને શું ખોટું કર્યું? અમે સભા માટે પ્રશાસનને પરમિશન લીધી હતી જે પાછળથી રદ્દ કરી દેવામાં આવી હતી.'

ચૂંટણી પંચ તરફથી હાર્દિક પટેલ અને તેના સહયોગી સામે પરમિશન વગર રેલી કરવાની ફરિયાદ દાખલ કરાવી છે. બે દિવસ પહેલા બુધવારે રાજકોટમાં હાર્દિક પટેલે મહાક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું.

આ પહેલા ગાંધીનગરમાં પણ પોલીસે પરવાનગી વગર માણસામાં રેલી કરવા બદલ શાંતિમાં દખલ નાંખવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ૬ અન્ય કાર્યકરો સામે કેસ દાખલ કર્યો છે.

 

(10:17 am IST)