Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૯મીએ ચૂંટણી લડનારા ૭૧% ઉમેદવાર માંડ ૧૨મું પાસ

ભણેલા ગણેલા નેતાઓની સંખ્યા ઘટીઃ ગુજરાતમાં ભણતરને મહત્વ નહિ

નવી દિલ્હી તા. ૨ : ચૂંટણી લડનારા ૯૨૩ ઉમેદવારોમાંથી ૭૧ ટકા ઉમેદવારો માત્ર ૧૨માં ધોરણ સુધી જ કે તેનાથી પણ ઓછુ ભણેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઈલેકશન વોચે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૯૭૭ એફિડેવિટમાંથી ૯૨૩નું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણ મુજબ ૧૮.૫ ટકા ઉમેદવારો માત્ર આઠમા ધોરણ સુધી, ૧૭.૨ ટકા છઠ્ઠા ધોરણ સુધી, ૧૩.૯ ટકા પાંચમા ધોરણ સુધી અને ૧૩.૨ ટકા બારમા ધોરણ સુધી ભણેલા છે. ૧૦.૧ ટકા એટલે કે ૯૪ ઉમેદવારો ગ્રેજયુએટ થયેલા છે, ૮.૩ ટકા (૭૭ ઉમેદવારો)એ પ્રોફેશનલ કોર્સમાં ગ્રેજયુએટ ડીગ્રી મેળવી છે જયારે માત્ર ૪.૫ ટકા (૪૨ ઉમેદવાર) પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી છે. ચાર ઉમેદવારોએ પી.એચડી કર્યું છે.

ભાજપના ૮૯ ઉમેદવારોમાંથી ૫૫ ટકા ઉમેદવારોનુ ભણતર પાંચમાથી આઠમા ધોરણ સુધીનું છે. બત્રીસ ઉમેદવારો પાસે ગ્રેજયુએશન કે તેનાથી ઊંચી ડીગ્રી છે. કોંગ્રેસના ૮૬ ઉમેદવારોમાંથી ૪૪ ટકા (૩૮) ઉમેદવારો પાંચથી આઠ ધોરણ સુધી ભણેલા છે જયારે અન્ય ૪૪ ટકા (૩૮) ઉમેદવારો પાસે ગ્રેજયુએશન કે તેનાથી ઊંચી ડીગ્રી છે. આ વિશ્લેષણ મુજબ નેતાઓના ભણતર અને કવોલિફિકેશનની ગુણવત્ત્।ા કથળી છે. આ પહેલાની વિધાનસભા ચૂંટણીમાં ૪૬.૫૫ ટકા ભાજપના ઉમેદવારો પાંચથી આઠ ધોરણ, ૪૫ ટકા ગ્રેજયુએશન કે તેથી વધુ ભણેલા હતા. કોંગ્રેસમાં આ આંકડા અનુક્રમે ૫૦.૨૯ અને ૪૨.૧ ટકા જેટલા હતા. કુલ ૬૭.૫૨ ટકા ઉમેદવારોનુ ભણતર ૧૨માં ધોરણ કરતા ઓછુ હતુ.

રાજકીય વિશ્લેષક દિનેશ શુકલ જણાવે છે કે ભારતમાં ચૂંટણી લડવા માટે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેઓ જણાવે છે, 'પહેલા તો ચૂંટણીમાં અનેક નિરક્ષર ઉમેદવારો પણ ઝંપલાવતા હતા. ગુજરાતના રાજકારણમાં ભણતરનો રોલ કયારેય અગત્યનો નથી રહ્યો. ઉમેદવારની જાતિ અને તેની ચૂંટણી જીતવાની ક્ષમતા આ બંને માપદંડને આધારે જ ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. આ જ કારણે ઘણી ઓછી મહિલા ઉમેદવારો પસંદ કરાય છે.' નિષ્ણાંતો રાજયના સામાજિક-આર્થિક માપદંડ તરફ પણ ઈશારો કરે છે. સેન્સસ ૨૦૧૧ મુજબ ગુજરાતની ૬.૦૪ કરોડ જનતામાંથી ૧.૯૩ કરોડ નિરક્ષર હતી. વસ્તી ગણતરીમાં આવરી લેવાયેલા ૮૦ ટકાથી વધુ લોકો કયારેય કોલેજ કે તેથી આગળ ભણવા નથી ગયા.

એકબાજુ ઓછુ ભણેલા ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે તો બીજી બાજુ ક્રિમિનલ કેસ નોંધાયા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી. ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૫ ટકા સામે ક્રિમિનલ કેસ છે જયારે ૮ ટકા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ભાજપના ૨૫ ટકા, કોંગ્રેસના ૩૬ ટકા, બસપાના ૧૮ ટકા, એનસીપીના ૧૪ ટકા અને આપના ૧૧ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ ફાઈલ કરવામાં આવ્યા છે. ભાજપના ૧૧ ટકા, કોંગ્રેસના ૨૩ ટકા, બસપાના ૧૩ ટકા, એનસીપીના ૧૧ ટકા અને આપના ૫ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પ્રથમ તબક્કાની ૨૧ ટકા બેઠકો એવી છે જેમાં ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.

૯૨૩ ઉમેદવારોમાંથી ૭ ટકા પાસે ૫ કરોડથી વધુની મૂડી છે. અન્ય ૭ ટકા પાસે ૨ કરોડથી વધુ, ૧૭ ટકા પાસે ૫૦ લાખથી ૨ કરોડ સુધી, ૨૪ ટકા પાસે ૧૦ લાખથી ૫૦ લાખ સુધી અને ૪૫ ટકા પાસે ૫૦ લાખથી ઓછી સંપત્ત્િ। છે. પાર્ટી પ્રમાણએ ભાજપના ૮૫ ટકા ઉમેદવાર, કોંગ્રેસના ૭૦ ટકા ઉમેદવાર, એનસીપીના ૨૫ ટકા, આપના ૩૨ ટકા અને બસપાના ૩ ટકા ઉમેદવારોએ ૧ કરોડથી વધુ સંપત્ત્િ। જાહેર કરી છે.

કોંગ્રેસના એક અને ભાજપના બે એમ ત્રણ ઉમેદવાર પાસે ૧૦૦ કરોડથી વધુની એસેટ્સ છે. રાજકોટ પશ્ચિમની સીટ પરથી લડનારા ઈન્દ્રનીલ રાજગુરુ પાસે ૧૪૧ કરોડની સંપત્ત્િ। છે. ભાજપના સૌરભ પટેલ પાસે ૧૨૩ કરોડ અને ધાનજી પટેલ પાસે ૧૧૩ કરોડની સંપત્ત્િ। છે.

 

 

(9:57 am IST)