Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

હોસ્પિટલે બાળકને મૃત જાહેર કરી પોલિથિન બેગમાં પરિવારજનોને સોપ્યું પરંતુ..

ઘોર બેદરકારીઃ બાળકની ગંભીર હાલતઃ બાળકના પરિવારજનોમાં રોષ

નવી દિલ્હી તા. ૨ : દિલ્હીના શાલિમાર બાગના મેકસ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા બેદરકારીની તમામ હદો વટાવી દેવાઈ છે, આ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા જોડિયા બાળકો પૈકી મરેલા જન્મેલા બાળકની સાથે જીવતા બાળકને પણ મૃત જાહેર કરી દેવાયું છે.. હોસ્પિટલ સ્ટાફ દ્વારા બન્ને બાળકોને પોલિથિન બેગમાં ભરીને પરિવાજનોને સોંપી દેવાયા. જે બાદ બન્નેને અંતિમવિધી માટે સ્મશાન લઈ જવાઈ રહ્યા હતા. એ સમયે પોલિથિન બેગની અંદર થોડુંક હલનચલન થવાનો અહેસાસ થતા પરિવારજનોએ તરત જ જીવતા બાળકને નર્સિંગ હોમમાં એડમિટ કરાયું પરંતુ તે બચે તેવી શકયતાઓ ઓછી છે.

મેકસ હોસ્પિટલે આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે અમે આ ઘટના અંગે વિગતવાર તપાસનો આદેશ આપ્યો છે, તેમજ આ પ્રસુતિ કરાવનાર ડોકટરને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. બાળકના દાદા પ્રવિણ મલિકે કહ્યું કે, 'બાળકો મારા ખોળામાં હતા. તે સમયે મને બાળક હલતું હોય તેવો આભાસ થયો, જે બાદ અમે પોલિથિન બેગ ખોલીને બાળકને બહાર કાઢીને જોયો તો બાળક હજુ શ્વાસ લઈ રહ્યું હતું. અમે તેને તરત જ સ્થાનિક નર્સિંગ હોમમાં લઈ ગયા, પરંતુ તેની હાલત ગંભીર છે. તે બચી શકે તેવી આશા ઓછી છે.'

આ ઘટનાને વખોડતા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, 'આ ઘટના અંગે તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે, આરોપ સિદ્ઘ થશે તો આરોપી વિરુદ્ઘ કડક પગલા ભરવામાં આવશે.અમને જાણ કરવામાં આવી છે કે બે પ્રી-મેચ્યોર જોડિયા બાળકો(૨૨ અઠવાડિયા) મેકસ હોસ્પિટલ ખાતે જન્મ્યા હતા, પરિવારજનોને એક મૃત જન્મેલ બાળક સાથે જીવિત બાળકને પણ મૃત કહીને સોંપી દેવાયું છે, બાળક હાલ નર્સિંગ હોમમાં લાઈફ સપોર્ટ પર જીવિત છે.'

હોસ્પિટલના નિવેદનમાં જણાવાયું છે કે, 'અમે તપાસના આદેશ આપી દીધા છે. તપાસ ચાલુ છે ત્યા સુધી અમે સંબંધિત ડોકટરને રજા પર મોકલી દીધા છે. અમે બાળકના માતા-પિતા સાથે સંપર્કમાં છીએ તેમજ તમામ બનતી મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.' સૂત્રોના જણાવ્યાનુસાર બાળકોની માતા જે હજુ સુધી મેકસ હોસ્પિટલમાં જ છે તેમની હાલત સ્થિર છે. બાળકના કાકા દીપક બિંદાવતે કહ્યું કે, 'અમને ન્યાય ન મળે ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. આ ભૂલ માટે હોસ્પિટલનો લાયસન્સ કેન્સલ કરી દેવો જોઈએ તેમજ મારા ભત્રીજાને મૃત જાહેર કરનાર ડોકટરને જેલ થવી જોઈએ.' દિલ્હી પોલીસના પ્રવકતા દિપેન્દ્ર પાઠકે કહ્યુ હતું કે, 'અમે FIR નોંધી રહ્યા છીએ, આ ઘટનાની વિગતે તપાસ શરુ કરાશે. તપાસના પરિણામો બાદ જ આરોપીઓ પર પગલા લેવામાં આવશે.'

નોંધનીય છે કે શહેરના હોસ્પિટલ દ્વારા બેદરકારીની આ બીજી ઘટના છે. જૂન માસમાં સફદરજંગ હોસ્પિટલ દ્વારા પણ જીવિત બાળકને મૃત જાહેર કરી માતા-પિતાને સોંપી દેવાનો બનાવ સામે આવ્યો હતો. તે બાળક ૨૪ કલાક સુધી ઓકિસજન સપોર્ટ પર હતો પરંતુ તે જીવિત બચી નહોતું શકયું.

 

(9:52 am IST)