Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


રસગુલ્લા પછી બીજી મીઠાઇઓ પણ માંગશે પોતાનો હક્ક!

રસગુલ્લા પછી લાંબુ છે લિસ્ટ

કોલકત્તા તા. ૨ : પશ્ચિમ બંગાળ પોતાની મીઠાઈઓ માટે ફેમસ છે. તાજેતરમાં જ રાજયએ ઓડિશા સાથે ચાલતાં વર્ષો જુના વિવાદમાં જીત મેળવી હતી અને ભૌગૌલિક ઓળખ (GI) ટેગ પણ મેળવ્યું હતું. રસગુલ્લા પછી હવે પશ્ચિમ બંગાળના અન્ય જિલ્લાઓની પ્રસિદ્ઘ મીઠાઈ પણ પોતાનો દાવો નોંધાવી શકે છે.

રસકદમ

એવું કહેવામાં આવે છે કે જયારે મહાપ્રભુ ચૈતન્ય માલદા જતાં હતાં ત્યારે તેઓ કદમના ઝાડ નીચે આરામ કરતાં હતાં. તેની યાદમાં આ મીઠાઈનું નામ રસકદમ પડ્યું હતું. આ મીઠાઈ બિલકુલ કદમ્બના ઝાડ જેવી જ હોય છે. માલદાની આ મીઠાઈનો ઇતિહાસ ૫૦૦ વર્ષ જુનો છે. આ મીઠાઈ બીજે કયાંય મળતી નથી.

મનોહરા

અહીંના સ્થાનીક જમીનદારે ઇચ્છા હતી કે બહાર જતી વખતે તેને મુલાયમ મીઠાઈ ખાવા મળે. આ મુશ્કેલ કામ હતું. જેના માટે કંદોઇએ મુલાયમ મીઠાઇ ઉપર લિકિવડ સુગર કોટિંગ કર્યું હતું. જે પછી આ મીઠાઈ મનોહરા નામથી ફેમસ થઇ. આ મીઠાઈ માત્ર જનાઇ (હુગલી)માં જ બને છે.

છનાબોરા

મુર્શિદાબાદના નવાબ પોતાના અતિથિઓને ગિફટ તરીકે છનાબોરા મીઠાઈ આપતાં હતાં. આજે પણ અહીંના લોકો સ્પેશિયલ ગેસ્ટને છનાબોરા મીઠાઈ આપે છે. પીસીસીના અધ્યક્ષ અધીર ચૌધરીએ તત્કાલીન વડાપ્રધાનને ૨૧ છનાબોરા ગિફટમાં આપી હતી.

લાંગચા

૧૮૯૦માં એક કંદોઈ પંટુઆ અને લેડિકેની (ગુલાબજાંબુ જેવું) બનાવવા માટે કાલનાથી શકિતગઢ આવ્યા હતાં. જોકે, તે સારી રીતે ચાલી શકતો નહોતો. જેથી તેને લાંગચા (બંગાળી શબ્દ) કહેતાં હતાં. ત્યાંથી જ આ શબ્દ પ્રચલનમાં આવ્યો હતો. શકિતગઢ આશરે ૧૫૦ વર્ષથી લાંગચા માટે ફેમસ છે તેમજ આશરે લગભગ દરેક દુકાનોનું નામ લાંગચા પરથી જ પડ્યું છે.

મેચા સોન્દેશ

એવું કહેવામાં આવે છે કે ૩૦૦ વર્ષ પહેલા મલ્લારાજા આ મીઠાઈના ખૂબ જ શોખીન હતાં. ચણાની દાળ અને તેના લોટમાંથી બનાવવામાં આવતી મીઠાઈને દ્યીમાં ફ્રાઇ કરવામાં આવે છે તેમજ તેને બનવામાં ૨ દિવસ લાગે છે. આ મીઠાઈ માત્ર બાંકુરામાં જ મળે છે.

 

(9:49 am IST)