Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આકાશ કુમારે ઓલિમ્પિક મેડાલિસ્ટને પછાડ્યો : 'આર્મી જવાન' બોક્સરે ભારત માટે પ્રથમ મેડલ નિશ્વિત કર્યો

21 વર્ષીય બોક્સરે શાનદાર મુક્કાઓ વડે જોરદાર જુસ્સો બતાવીને વિરોધીઓ પર 5-0 થી જોરદાર વિજય નોંધાવ્યો

મુંબઈ : આકાશ કુમારએ AIBA વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021માં પોતાનો મેડલ નિશ્ચિત કર્યો છે. આકાશ કુમારે વેનેઝુએલાના ભૂતપૂર્વ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા યોએલ ફિનોલ રિવાસ સામે જબરદસ્ત જીત મેળવીને ભારત માટે પ્રથમ મેડલ પાકો કરી લીધો છે,.

વર્તમાન નેશનલ ચેમ્પિયન એવા 21 વર્ષીય બોક્સરે શાનદાર મુક્કાઓ વડે જોરદાર જુસ્સો બતાવીને વિરોધીઓ પર 5-0 થી જોરદાર વિજય નોંધાવ્યો હતો.

રિંગમાં નિર્ભયતાથી પ્રવેશેલા સેનાના આ બોક્સરે વેનેઝુએલાના ખેલાડીને કોઈ તક આપી ન હતી. તેણે તેની ત્વરિતતા અને જબરદસ્ત મુક્કાથી રિવાસને હેરાન કરી દીધો હતો. આકાશે મેચ બાદ કહ્યું, ‘મારી રણનીતિ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવવાની હતી. મેં આક્રમક અભિગમ અપનાવ્યો અને પ્રથમ રાઉન્ડમાં લીડ મેળવી. મેં બીજા રાઉન્ડમાં પણ સારો બચાવ કર્યો હતો.

પુણેની આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવનાર આકાશની માતાનું ગત સપ્ટેમ્બરમાં ફેફસાના કેન્સરથી અવસાન થયું હતું. જ્યારે તેની માતાનું અવસાન થયું ત્યારે તે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પડકાર આપી રહ્યો હતો. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ તેને જાણ કરવામાં આવી હતી. તેના પિતાનું એક દાયકા કરતા વધુ સમય પહેલા અવસાન થયું હતું. જ્યારે તેનો નાનો ભાઈ હત્યાના આરોપમાં 2017 થી જેલમાં છે.

આકાશે કહ્યું, ‘હું આ મેડલ મારા સ્વર્ગસ્થ માતા અને પિતા અને મારા કોચને સમર્પિત કરું છું. હું પહેલીવાર આટલી મોટી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છું અને મને ગર્વ છે કે મેં તેમાં સારું પ્રદર્શન કર્યું. આકાશ મંગળવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનાર સાતમો ભારતીય પુરૂષ બોક્સર બન્યો. આ સાથે તેણે પોતાના નામે ઓછામાં ઓછી 25 હજાર ડોલરની ઈનામી રકમની પણ પુષ્ટિ કરી. રિવાસે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ બાદમાં ડોપિંગ કેસ બાદ તેને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો.

ફાઈનલમાં પહોંચવા માટે આકાશને 19 વર્ષના મખમુદ સાબીરખાનનો સામનો કરવો પડશે. કઝાકિસ્તાનનો આ બોક્સર યુવા સ્તરે ત્રણ વખત એશિયન ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલ વિજેતાને એક લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે. સિલ્વર મેડલ વિજેતાને 50 હજાર ડોલર અને બે બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 25 હજાર ડોલર મળશે. ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ 2.6 ડોલર મિલિયન છે.

(11:42 pm IST)