Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વિરાટ કોહલીની દીકરીને મળી ટ્વીટર ઉપર 'રેપ'ની ધમકી, DCWએ દિલ્હી પોલીસને નોટિસ મોકલી

નવી દિલ્હી : દુબઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપ મેચમાં ભારતની હાર બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ૯ મહિનાની દીકરીને ઓનલાઇન રેપની ધમકી મળ્યા બાદ દિલ્હી મહિલા આયોગ (DCW)એ દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. DCW અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને શરમજનક ગણાવતા આરોપીઓની ધરપકડની માંગ કરી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીને ટ્વિટર પર બળાત્કારની ધમકી મળવા મામલે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ સાઇબર ક્રાઇમ બ્રાંચના ડીસીપીને મોકલેલી નોટિસમાં ઓનલાઇન ટ્રોલ વિરૃદ્ધ તુરંત કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઝ્રઘ્ષ્એ નોટિસમાં પોલીસ કમિશનરને ફરિયાદની એક કોપી, ઓળખાયેલા અને ધરપકડ કરાયેલા આરોપીઓની ડિટેલ, કાર્યવાહીનો રિપોર્ટ આઠ નવેમ્બર સુધી ઉપલબ્ધ કરાવવા કહ્યુ છે.

સ્વાતિ માલીવાલે ટ્વીટ કરી કહ્યુ, વિરાટ કોહલીની ૯ મહિનાની દીકરીને જે રીતે ટ્વિટર પર રેપની ધમકી આપવામાં આવી તે શરમજનક છે. આ ટીમે અમને હજારો વખત ગૌરવનો અનુભવ કરાવ્યો છે, હાર પર આ હીન ભાવના કેમ? મે દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે, ૯ મહિનાની બાળકીને રેપની ધમકી આપનારા તમામની ધરપકડ થાય.

ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી ટ્રોલ્સના નિશાના પર આવી ગયો હતો.

(5:05 pm IST)